From Uniform to Classroom: ભણવાની ઉંમર હોય, હાથમાં દફતર અને આંખોમાં ભવિષ્યના સપનાં હોય, પરંતુ સંજોગો એવા બને કે માથેથી વાલીનો હાથ છૂટી જાય ત્યારે આ માસૂમ જીવો માટે અંધકાર છવાઈ જતો હોય છે. છોટાઉદેપુરના છેવાડાના અને મધ્યપ્રદેશની સરહદે આવેલા ગુનાટા ગામમાં આવી જ એક કરુણ વાસ્તવિકતા વચ્ચે શિક્ષણનો અનોખો દીવડો પ્રગટ્યો છે. માતા-પિતાની ગેરહાજરીમાં નિરાધાર બનેલા બાળકો માટે અહીંના મુખ્ય શિક્ષક જિતેન્દ્ર પટેલ માત્ર ગુરુ નહીં, પણ સાચા અર્થમાં ‘વાલી’ બનીને ઊભા રહ્યા છે.

From Uniform to Classroom: ખાખી છોડી શિક્ષણનો રાહ પકડ્યો
શિક્ષક જિતેન્દ્ર પટેલને ૧૧ વર્ષ પહેલાં નવસારી જિલ્લામાં હથિયારી PSI તરીકે નિમણૂક મળી હતી, પરંતુ શિક્ષક બનવાના અદમ્ય શોખને કારણે તેમણે પોલીસની નોકરી છોડી શિક્ષણ ક્ષેત્ર પસંદ કર્યું. ગુનાટા સરકારી શાળામાં પોસ્ટિંગ મળ્યું ત્યારે સ્થિતિ અત્યંત ગંભીર હતી. ડુંગરાળ અને જંગલ વિસ્તાર હોવાથી ગામના મોટાભાગના આદિવાસી પરિવારો રોજીરોટી માટે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર (માઇગ્રેશન) કરી જતા હતા. પાછળ દાદા-દાદી કે સંબંધીઓના સહારે છૂટી ગયેલા બાળકો શિક્ષણથી વંચિત થઈ જતા હતા.

From Uniform to Classroom: અંતરિયાળ ગામમાં ખીલી ઊઠી નંદનવન જેવી શાળા
શિક્ષક જિતેન્દ્ર પટેલે બાળકોને શાળા તરફ આકર્ષવા પોતાના ખર્ચે શાળાનું નવસર્જન કર્યું. આજે ગુનાટા શાળા રંગબેરંગી ભીંતચિત્રો, પ્રેરણાદાયી સ્લોગનો અને મહેકતા ફૂલો સાથે અત્યંત મનમોહક પરિસર ધરાવે છે.
- ૫૧૯માંથી ૧૦૦થી વધુ બાળકો હોસ્ટેલમાં: શાળાના કુલ ૫૧૯ બાળકોમાંથી ૧૦૦થી વધુ બાળકો અહીં સરકાર માન્ય હોસ્ટેલમાં વિનામૂલ્યે રહીને અભ્યાસ કરે છે.
- ઓળખ વગરના બાળકોને આશરો: પાંચ જેટલા બાળકો એવા છે જેમના કોઈ દસ્તાવેજી પુરાવા પણ નહોતા, તેમને શિક્ષકે આશરો આપ્યો છે.
- ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો: નાની બહેનને સાચવવા ભણતર છોડી દેનારી બાળકીઓથી માંડીને મજૂરી તરફ ધકેલાતા બાળકોને શોધીને શાળાએ લવાયા, જેનાથી વિસ્તારમાં ડ્રોપઆઉટ રેશિયો નહિવત્ થયો છે.

From Uniform to Classroom: શિક્ષણ સાથે સંસ્કાર અને માવતરની હૂંફ
ગામના રાયસીંગ રાઠવા સહિતના સ્થાનિકો જણાવે છે કે શિક્ષકની આ નિષ્ઠાને કારણે જ વાલીઓ નિશ્ચિંત બનીને બાળકોને શાળાએ મોકલે છે. વિદ્યાર્થીનીઓ વિશાકા અને દિવ્યાના મતે, આ શાળા તેમના માટે માત્ર ભણવાની જગ્યા નથી પણ એક આખો પરિવાર છે. જિતેન્દ્ર પટેલે સાબિત કર્યું છે કે જ્યારે એક શિક્ષક ગુરુની સાથે વાલી બને છે, ત્યારે અભાવ વચ્ચે જીવતા બાળકોના જીવનમાં પણ ઉજ્જવળ ભવિષ્યનો સૂરજ ઊગી નીકળે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
અમેરિકન ગ્રીન કાર્ડ માટે ભારતીયોની રાહ બની લાંબી

