Big Boost for Travelers: ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા સુરત શહેરને આખરે તેની પોતાની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી ગઈ છે. રેલવે મંત્રાલયે સુરતથી લેક સિટી ઉદયપુર વચ્ચે અઠવાડિયામાં છ દિવસ આ ટ્રેન દોડાવવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ નવી ટ્રેન શરૂ થવાથી મધ્ય અને દક્ષિણ ગુજરાતથી રાજસ્થાન ફરવા જતા પ્રવાસીઓ તેમજ વેપારીઓ અને મુસાફરોને સીધો મોટો ફાયદો થશે. રેલવે બોર્ડના આદેશ મુજબ આ પ્રીમિયમ ટ્રેન ૮ કોચ સાથે ટ્રેક પર દોડશે. આગામી નવરાત્રિના પવિત્ર તહેવારો પહેલા જ આ ટ્રેનને વિધિવત રીતે શરૂ કરી દેવાની પૂરી શક્યતા છે, જેને લઈને સુરત અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Big Boost for Travelers: સમયપત્રક, મેન્ટેનન્સ અને રૂટમાં મહત્વનો બદલાવ
સુરતથી ઉદયપુર વચ્ચે દોડનારી આ વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં ૬ દિવસ નિયમિત કાર્યરત રહેશે, જ્યારે દર મંગળવારે ટ્રેનનું સંચાલન મેન્ટેનન્સ હેતુસર બંધ રાખવામાં આવશે. આ ટ્રેનની પ્રાથમિક મેન્ટેનન્સ સુવિધા સુરત ખાતે જ રાખવામાં આવી છે, જ્યારે ટ્રેનમાં વોટરિંગ (પાણી ભરવાની) સુવિધા વડોદરા અને અમદાવાદના અસારવા સ્ટેશન પર પૂરી પાડવામાં આવશે.
બીજી તરફ, રેલવે મંત્રાલયે આ નવી મંજૂરીની સાથે એક મહત્વનો ફેરફાર પણ જાહેર કર્યો છે. નવી વ્યવસ્થાના ભાગરૂપે અગાઉથી દોડતી ટ્રેન નંબર ૨૬૯૬૩/૨૬૯૬૪ ઉદયપુર સિટી-અસારવા (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. રેલવે બોર્ડ દ્વારા આ રૂટને લંબાવીને સુરત સુધી અપગ્રેડ કરવામાં આવ્યો હોવાથી, હવે અસારવાને બદલે સુરતથી જ ઉદયપુર વચ્ચે આ પ્રીમિયમ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
લ્યુટિયન્સ ઝોનમાં અંબાણીનો રૂ. ૩૫૦ કરોડનો મેગા સોદો, આલીશાન બંગલો ખરીદ્યો

