Surat Shocker: રાજસ્થાનથી એક ૧૯ વર્ષીય યુવતીને ભગાડીને સુરત આવેલા ૪૫ વર્ષીય પ્રેમીની અમાનવીય કરતૂત સામે આવી છે. સુરતમાં તબિયત લથડતા યુવતીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પ્રેમી તેને એકલી મૂકીને નાસી છૂટ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવતીનું કરુણ મોત નીપજ્યું છે.

Surat Shocker: શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના ગુડામાલાણી ગામમાં શાકભાજીનો વ્યવસાય કરતા ૪૫ વર્ષીય દિલીપ નામના આધેડે ૧૯ વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને ચાર દિવસ અગાઉ તેને ઘરેથી ભગાડી ગયો હતો. પરિવારજનોના આક્ષેપ મુજબ, આરોપી દિલીપ યુવતીનું અપહરણ કરીને પહેલા અમદાવાદ અને ત્યારબાદ સુરત લઈ આવ્યો હતો. સુરતમાં તેના મિત્રના ઘરે રોકાણ દરમિયાન યુવતીની તબિયત અચાનક બગડી ગઈ હતી.

Surat Shocker: વોટ્સએપ પર મેસેજ મોકલી પ્રેમી ફરાર
યુવતીની તબિયત વધુ લથડતા તેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ચાલાક પ્રેમી દિલીપે યુવતીના પરિવારજનોને વોટ્સએપ પર હોસ્પિટલનો ફોટો મોકલીને ‘તમારી દીકરીની તબિયત ખરાબ છે’ તેવો મેસેજ કર્યો હતો. આ મેસેજ મોકલ્યાની માત્ર બે જ મિનિટમાં તેણે પોતાનો મોબાઈલ ફોન સ્વીચઓફ કરી દીધો હતો અને હોસ્પિટલમાંથી રફુચક્કર થઈ ગયો હતો.

Surat Shocker: પરિવાર અને સમાજમાં રોષ, પોલીસ તપાસ શરૂ
મેસેજ મળતાં જ ગભરાયેલા પરિવારે સુરતમાં વસતા સમાજના અગ્રણીઓને હોસ્પિટલ દોડાવ્યા હતા, પરંતુ ડોક્ટરોના અથાગ પ્રયાસો છતાં યુવતી બચી શકી ન હતી અને સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ રાજસ્થાનથી યુવતીના પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં સુરત દોડી આવ્યા હતા.

રાજસ્થાનથી પણ પોલીસની એક ટીમ સુરત પહોંચી છે. હાલ તો પોલીસે પ્રાથમિક નોંધ કરી છે, પરંતુ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ (પોસ્ટમોર્ટમ) રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પરિવારજનોએ આરોપી દિલીપ સામે અપહરણ અને કડક કાનૂની કાર્યવાહી કરી તેને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
રાત્રે ડ્રાઈવિંગ બનશે વધુ સુરક્ષિત, હેડલાઈટના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી

