Vadodara Water Crisis: વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા ગણેશબાગમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીવાના પાણીમાં ગંદકી અને દુર્ગંધની સમસ્યાને કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશોના જણાવ્યા મુજબ, વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.

આ મુદ્દે સ્થાનિક મહિલાઓએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની સામાન્ય સભામાં પહોંચી રજૂઆત કરી હતી. મહિલાઓએ દૂષિત પાણીની સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરતાં સભામાં હોબાળો પણ થયો હતો. સ્થાનિકોએ માંગ કરી છે કે પાણીના સેમ્પલ તાત્કાલિક લેવામાં આવે અને માન્ય લેબોરેટરીમાં તેની વૈજ્ઞાનિક તપાસ કરાવવામાં આવે.

Vadodara Water Crisis: ગણેશબાગમાં દૂષિત પાણીની ફરિયાદ,

રહીશોએ વધુમાં માંગ કરી છે કે લેબોરેટરીના રિપોર્ટને જાહેર કરવામાં આવે, જેથી પાણી પીવા લાયક છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થઈ શકે. સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “અમે આતંકવાદી નથી, અમને ચોખ્ખું પાણી આપો.”

દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટે પણ આ મુદ્દે સત્તાધીશોને ગણેશબાગ વિસ્તારમાં સ્થળ મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. હવે VMC તંત્ર દ્વારા દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા શું પગલાં લેવામાં આવે છે તેના પર સ્થાનિકોની નજર છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: એવરગ્રાન્ડનું સામ્રાજ્ય ધરાશાયી: ₹28 લાખ કરોડના દેવા સાથે ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપનીનો અંત

