Evergrande Collapses: ચીનની દિગ્ગજ રિયલ એસ્ટેટ કંપની ચાઇના એવરગ્રાન્ડ ગ્રુપ સામે નાદારી અને લિક્વિડેશનની કાર્યવાહી શરૂ થઈ છે. એક સમયે વિશ્વની સૌથી મૂલ્યવાન રિયલ એસ્ટેટ કંપની બનેલી એવરગ્રાન્ડ આજે અબજો ડોલરના દેવા હેઠળ દબાઈ ગઈ છે. કંપનીના સ્થાપક હુઈ કા યાનને નાણાકીય છેતરપિંડી અને ગેરરીતિઓના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
ચીનના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ક્યારેક સૌથી મોટું નામ ગણાતી એવરગ્રાન્ડનો ઉદય જેટલો ઝડપભેર થયો હતો, તેટલો જ નાટકીય તેનો પતન રહ્યો છે. કંપનીએ ચીનના ઝડપથી વધી રહેલા શહેરીકરણનો લાભ લઈને હજારો પ્રોજેક્ટ્સ ઊભા કર્યા હતા. જોકે, તેના વિકાસનું મોડેલ મોટા પ્રમાણમાં દેવા, જમીન ખરીદી અને ફ્લેટના આગોતરા વેચાણ પર આધારિત હતું.
એવરગ્રાન્ડે એક પ્રોજેક્ટમાંથી મળેલા ગ્રાહકોના એડવાન્સ અને લોનનો ઉપયોગ નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે કર્યો. વર્ષો સુધી આ મોડેલ સફળ રહ્યું. 2017-18 દરમિયાન કંપનીનું મૂલ્યાંકન આશરે 400 અબજ ડોલર સુધી પહોંચ્યું અને તે વિશ્વની સૌથી મૂલ્યવાન રિયલ એસ્ટેટ કંપનીઓમાં સામેલ થઈ.
પરંતુ 2020માં ચીનની સરકારે વધુ પડતું દેવું લેતી રિયલ એસ્ટેટ કંપનીઓ પર નિયંત્રણ માટે ‘થ્રી રેડ લાઇન્સ’ નીતિ લાગુ કરી. ત્યારબાદ એવરગ્રાન્ડ માટે નવી લોન મેળવવી મુશ્કેલ બની. બીજી તરફ, પ્રોપર્ટી માર્કેટમાં મંદી આવતાં નવા ઘરોનું વેચાણ અને ગ્રાહકો પાસેથી મળતો રોકડ પ્રવાહ ઘટી ગયો. પરિણામે કંપનીની નાણાકીય વ્યવસ્થા ખોરવાઈ ગઈ.
કંપની પર 300 અબજ ડોલરથી વધુનું દેવું હોવાનું જણાવાયું હતું, જે ભારતીય ચલણમાં આશરે ₹28 લાખ કરોડ જેટલું થાય છે. તેના અનેક પ્રોજેક્ટ્સ અધૂરા રહી ગયા અને હજારો ઘર ખરીદનારાઓની ચિંતા વધી.
એવરગ્રાન્ડના સ્થાપક હુઈ કા યાન સામે પણ કાયદાકીય કાર્યવાહી થઈ. 66 વર્ષીય હુઈ કા યાનને નાણાકીય છેતરપિંડી અને ગેરરીતિઓમાં દોષિત ઠેરવીને આજીવન કેદની સજા આપવામાં આવી. તેમની સંપત્તિ જપ્ત કરવા અને રાજકીય અધિકારો છીનવી લેવાના આદેશ પણ આપવામાં આવ્યા.
કંપનીના શેરનું ટ્રેડિંગ લાંબા સમય સુધી સ્થગિત રહ્યા બાદ 25 ઓગસ્ટ 2025ના રોજ હોંગકોંગ સ્ટોક એક્સચેન્જમાંથી ડીલિસ્ટિંગ થયું હતું. આ ઘટના એવરગ્રાન્ડના શેરબજારના અંતનું પણ પ્રતીક બની હતી.
Evergrande Collapses: એવરગ્રાન્ડના પતન પાછળના મુખ્ય કારણો

1. અતિશય દેવું: કંપનીએ ઝડપથી વિસ્તરણ કરવા માટે મોટા પ્રમાણમાં લોન લીધી.
2. એડવાન્સ બુકિંગ પર નિર્ભરતા: નવા પ્રોજેક્ટ માટે ગ્રાહકો પાસેથી મળતા એડવાન્સનો ઉપયોગ કંપની આગળના પ્રોજેક્ટ્સમાં કરતી હતી.
3. ‘થ્રી રેડ લાઇન્સ’ નીતિ: ચીની સરકારની નવી નીતિથી દેવા પર આધારિત વિકાસ મોડેલને મોટો ફટકો પડ્યો.
4. પ્રોપર્ટી માર્કેટમાં મંદી: ફ્લેટનું વેચાણ ઘટતાં કંપનીનો કેશ ફ્લો નબળો પડ્યો.
5. અધૂરા પ્રોજેક્ટ્સ: અનેક શહેરોમાં પ્રોજેક્ટ્સ અટકી જતાં ગ્રાહકો અને લેણદારો બંને પર દબાણ વધ્યું.
Evergrande Collapses: શું આ ચીન માટે ‘લેહમન મોમેન્ટ’ છે?

નિષ્ણાતોના મતે એવરગ્રાન્ડનું પતન ગંભીર છે, પરંતુ તેની સરખામણી સીધી રીતે 2008ના લેહમન બ્રધર્સ સંકટ સાથે કરી શકાય નહીં. લેહમન બ્રધર્સના પતનનો સીધો પ્રભાવ વૈશ્વિક બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થા પર પડ્યો હતો. એવરગ્રાન્ડનું સંકટ મુખ્યત્વે ચીનના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને તેની સાથે જોડાયેલા સ્થાનિક અર્થતંત્ર પર કેન્દ્રિત રહ્યું છે.
Evergrande Collapses: ભારત માટે શું શીખવા જેવું?
એવરગ્રાન્ડની ઘટના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અતિશય દેવું, નબળો કેશ ફ્લો અને પ્રોજેક્ટ ડિલિવરીના જોખમ અંગે મહત્વનો પાઠ આપે છે. ઘર ખરીદનારાઓ માટે પ્રોજેક્ટની નાણાકીય સ્થિતિ અને ડેવલપરની વિશ્વસનીયતા ચકાસવી જરૂરી છે. બીજી તરફ, ભારતમાં RERA અને એસ્ક્રો એકાઉન્ટ જેવી વ્યવસ્થાઓનો હેતુ પણ ગ્રાહકોના નાણાંને સુરક્ષિત રાખવાનો છે.
એવરગ્રાન્ડની કહાની એ વાતનો પુરાવો છે કે દેવા પર ઊભું કરાયેલું વિશાળ સામ્રાજ્ય બહારથી ભલે મજબૂત દેખાય, પરંતુ કેશ ફ્લો અટકતા તેનું પતન ખૂબ ઝડપથી થઈ શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં ઝરમર વરસાદ અને રાજ્યમાં સાત દિવસની હળવા વરસાદની આગાહી, આજે અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

