Gujarat Rains: ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા મૂશળધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૬ ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતા કુદરતી આફત સર્જાઈ છે. ઉમરગામમાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે, મોંઘીદાટ કારો પાણીમાં ડૂબી ગઈ છે અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બોટથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
વલસાડ ઉપરાંત કપરાડામાં ૨૯ ઇંચ, નાનાપોઢામાં ૨૫.૩૧ ઇંચ અને ધરમપુરમાં ૨૦ ઇંચ વરસાદ નોંધાયો છે. માત્ર રાત્રે ૧ થી સવારના ૬ વાગ્યા સુધીમાં જ ઉમરગામમાં ૧૭.૪૪ ઇંચ વરસાદ પડ્યો હતો.

Gujarat Rains: સુરત અને નવસારીમાં પણ જળબંબાકારની સ્થિતિ

- સુરતમાં ખાડીઓ ઓવરફ્લો: સુરતમાં સવારે ૪ થી ૮ વાગ્યા દરમિયાન માત્ર ૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભેદવાળ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, જ્યારે અન્ય ખાડીઓ પણ ભયજનક સપાટીની નજીક વહી રહી છે. ખતરાને ધ્યાનમાં રાખીને ખાડી નજીક રહેતા ૨,૨૪૪ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે.
- નવસારીમાં પૂર્ણા નદી ગાંડીતૂર: નવસારીમાં ભારે વરસાદ અને ઉપરવાસની પ્રચંડ આવકથી પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી ગઈ છે. ગધેવાન, હિદાયત નગર, શાંતાદેવી, ભેસ્તખડા, રુસ્તમવાડી અને ગાંધીનગર સોસાયટી સહિત ૧૫થી વધુ વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કરાયું છે.
- અમદાવાદમાં ધોધમાર વરસાદ: અમદાવાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
Gujarat Rains: સરકારી તંત્ર એક્શન મોડમાં: રેડ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી ગંભીર સ્થિતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવ્યા છે. તેમણે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે પહોંચી સુરત, વલસાડ અને નવસારીના કલેક્ટરો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા મંત્રીઓ, કમિશનર રેમ્યા મોહન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિશનર આલોક પાંડે સહિત તમામ રેડ એલર્ટવાળા જિલ્લાના પ્રભારી સચિવોને રાહત અને બચાવ કામગીરી માટે મેદાનમાં ઉતારી દેવાયા છે.
આજે મધ્ય ગુજરાતના ૩ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે, જ્યારે ૧૧ જિલ્લામાં ઓરેન્જ અને ૧૦ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Gujarat Rains: આગામી દિવસોમાં વરસાદી માહોલ અને પવનની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ મેઘરાજાનું જોર યથાવત રહેશે:
- ૨૪ જુલાઈ: પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
- ૨૫ અને ૨૬ જુલાઈ: સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં અતિભારે વરસાદની શક્યતા છે.
- આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
પશ્ચિમ રેલવે દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ
ભારે વરસાદ અને ટ્રેન વ્યવહારને અસર પહોંચવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સહાય માટે ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે:
- અમદાવાદ રેલવે સ્ટેશન (પ્લેટફોર્મ નં. ૧): ૦૭૯-૨૨૧૪૭૯૯૭
- સાબરમતી રેલવે સ્ટેશન: ૭૦૪૩૦૨૮૬૮૦
- પાલનપુર રેલવે સ્ટેશન: ૯૪૮૪૬૯૮૧૪૧
- વીરમગામ રેલવે સ્ટેશન: ૯૨૧૩૫૨૭૫૮૭
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને પ્રવાસ કરતા પહેલા પોતાની ટ્રેનની સ્થિતિ ચકાસી લેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો :ગ્લાસગોમાં મહાકુંભનો પ્રારંભ, ૧૨૬ ભારતીય ખેલાડીઓ બતાવશે દમ

