Tragedy at Girnar: ગિરનાર પર્વત પર યાત્રાધામના પગથિયાં ચઢતી વખતે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની મુલાકાતે આવેલા પરિવારના ૧૨ વર્ષના બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહ પર સિંહે તરાપ મારીને તેને જંગલમાં ખેંચી જતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

Tragedy at Girnar: શું હતી ઘટના?
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, શનિવારે વહેલી સવારે આશરે પોણા છ વાગ્યે પરિવાર અન્ય યાત્રિકો સાથે ગિરનાર ચઢવાનું શરૂ કર્યું હતું. તેઓ ગેટથી માંડ ૫૦ પગથિયાં જ ચઢ્યા હતા ત્યાં અંધારામાં છુપાયેલા સિંહે પાછળથી મયુરસિંહ પર હુમલો કર્યો હતો.
બાળકના કાકા અનિલકુમારસિંહ નટવરસિંહે જણાવ્યું હતું કે, સિંહે મયુરસિંહને હાથમાંથી ખેંચીને સીધો જંગલ તરફ દોટ મૂકી હતી. ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ત્યારબાદ કરવામાં આવેલી શોધખોળમાં બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો મળી આવ્યા હતા.

Tragedy at Girnar: વહીવટી તંત્રની બેદરકારી સામે રોષ
સ્થાનિક લોકો અને પીડિત પરિવાર દ્વારા વહીવટી તંત્રની ગંભીર બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે.
- અંધારપટ: સીડીઓ પર લાઇટની કોઈ વ્યવસ્થા ન હોવાથી વન્યજીવ અંધારામાં છુપાયેલો હોવા છતાં નજરે પડતો નથી.
- સુરક્ષાનો અભાવ: સ્થાનિકોના મતે, છેલ્લા ૩-૪ દિવસથી આ સિંહ સીડીઓની આસપાસ જ ફરતો હતો, છતાં કોઈ પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
- તંત્ર પર આક્ષેપ: ઘટના બાદ વન વિભાગના જવાબદાર અધિકારીઓ (RFO) સમયસર ઘટનાસ્થળે ન પહોંચ્યા હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.

Tragedy at Girnar: તંત્ર દ્વારા લેવાયેલા પગલાં
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે: ૧. માર્ગ ડાયવર્ટ: ગિરનારની મુખ્ય સીડીઓ પર હાલ સામાન્ય અવરજવર બંધ કરી દેવામાં આવી છે. યાત્રિકોને જટાશંકર નજીકની જૂની સીડીનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. ૨. શોધખોળ અને પાંજરા: હુમલો કરનાર સિંહને પકડવા માટે વન વિભાગની વિવિધ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે અને ઘટનાસ્થળની આસપાસ પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
છેલ્લા ૨૫ દિવસમાં આ પ્રકારની ૬ ઘટનાઓ સામે આવી હોવાથી શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ભારે ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે. લોકોએ તાત્કાલિક ધોરણે સીડીઓ પર લાઈટની વ્યવસ્થા કરવા અને ચોક્કસ અંતરે વન વિભાગના કર્મચારીઓને તહેનાત કરવાની માંગ કરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
સુરત પર કુદરતનો કહેર, ખાડીપૂરના પાણીમાં ૩ હજારથી વધુ વાહનો ડૂબ્યા, રિપેરિંગ માટે એક મહિનાનું વેઈટિંગ




