HomeBhavnagarBhavnagar Shocker: ભાવનગરના ગરાજીયા ગામમાં સિંહનો આતંક, માલધારી પર હુમલો કરી અડધો...

Bhavnagar Shocker: ભાવનગરના ગરાજીયા ગામમાં સિંહનો આતંક, માલધારી પર હુમલો કરી અડધો કલાક હાથ જડબામાં રાખ્યો, ગામમાં ફફડાટ

Bhavnagar Shocker: ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે આજે (૬ જુલાઈ) સવારે સિંહના હુમલાની એક કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. ગામમાં ઘૂસી આવેલા એક સિંહે સ્થાનિક માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર પર જીવલેણ હુમલો કર્યો હતો. સિંહે કાળુભાઈનો હાથ પોતાના જડબામાં પકડી રાખ્યો હતો અને અડધા કલાક સુધી છોડ્યો ન હતો. આ ભયાનક ઘટનાનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

Bhavnagar Shocker

Bhavnagar Shocker: ઘટનાની વિગત: “મેં સિંહને પંપાળ્યો પણ એણે હાથ ન છોડ્યો”

ઈજાગ્રસ્ત માલધારી કાળુભાઈ પરમારે હોસ્પિટલના બિછાનેથી આપવીતી જણાવતા કહ્યું કે, “હું સવારે સાડા દસ વાગ્યે મારી ગાયને ઘાસચારો નાખવા જતો હતો. સિંહ બજારમાં જ બેઠો હતો અને તેણે અચાનક મારી પીઠ પાછળ હુમલો કરી મને નીચે પાડી દીધો. ત્યાર બાદ મારો આખો હાથ તેના મોઢામાં લઈ લીધો. મેં જીવ બચાવવા સિંહને પંપાળવાનો (હાથ ફેરવવાનો) પ્રયાસ પણ કર્યો, છતાં તેણે અડધો કલાક સુધી મારો હાથ જડબામાંથી મુક્ત ન કર્યો અને ગળાના ભાગે પંજો માર્યો.”

આ દરમિયાન અન્ય એક વ્યક્તિ હેમુભાઈ ગઢવીએ જણાવ્યું કે, સિંહ પહેલા તેમના વાડામાં ઘૂસ્યો હતો, પરંતુ ભેંસ આડી આવી જતાં તેઓ અને તેમના માતા બચી ગયા હતા. ત્યાંથી ભાગીને સિંહે સીધો કાળુભાઈના ઘર પર હુમલો કર્યો હતો.

Bhavnagar Shocker

Bhavnagar Shocker: લોહીલુહાણ હાલતમાં ભાવનગર ખસેડાયા, બાળકોમાં ભયનો માહોલ

ઘટનાને પગલે ૨૦૦થી ૩૦૦ જેટલા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને પથ્થરમારો કરીને માંડ-માંડ કાળુભાઈને સિંહના ચંગુલમાંથી છોડાવ્યા હતા. કાળુભાઈને ગંભીર ઈજાઓ થતાં અને લોહી વહેવાનું બંધ ન થતાં, પ્રાથમિક સારવાર પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર. ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના એક્સ-રે અને સીટી સ્કેન સહિતની તપાસ ચાલી રહી છે.

Bhavnagar Shocker

બાળકો શાળાએ ન ગયા: ગામની મધ્યમાં સિંહના આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં એટલો ભય ફેલાઈ ગયો છે કે ગામના અંદાજે ૫૦ ટકા બાળકો આજે ડરના માર્યા શાળાએ ભણવા પણ ગયા નથી.

Bhavnagar Shocker

Bhavnagar Shocker: વન વિભાગની બેદરકારી સામે ગ્રામજનોનો આક્રોશ

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં વન વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે:

  • મોડી એન્ટ્રી: ગરજીયા ગામના સરપંચના પતિ સવજીભાઈએ આક્ષેપ કર્યો છે કે, વન વિભાગને ફોન કર્યાના દોઢ કલાક પછી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. છેલ્લા ૫ વર્ષથી અહીં સાવજ દેખાય છે, તેને તેના હદ વિસ્તારમાં મોકલવો જોઈએ.
  • જવાબદારીનો અભાવ: હેમુભાઈ ગઢવીએ જણાવ્યું કે ઘટના સમયે ફોરેસ્ટના બે માણસો આવ્યા ખરા, પણ કંઈ જ કર્યા કે પૂછ્યા વિના સીધા નીકળી ગયા.
  • સ્થાનિક નેતાની માગ: પાલિતાણા તાલુકા પંચાયતના સભ્ય ચેતન ડાભીએ જણાવ્યું કે, “સિંહ કાળુભાઈના ઘરમાં ઘૂસી ગયો હતો. અમારી માગ છે કે સિંહોને તાત્કાલિક અહીંથી સુરક્ષિત રીતે જંગલમાં ખસેડવામાં આવે અને ગામ લોકોને સુરક્ષા આપવામાં આવે.”
Bhavnagar Shocker

Bhavnagar Shocker: વન વિભાગ દ્વારા તપાસ અને પાંજરે પૂરવાની તજવીજ

લાંબા સમય બાદ હરકતમાં આવેલી વન વિભાગની ટીમે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તારમાં આતંક મચાવનાર આ વન્ય પ્રાણી (સિંહ)ને પકડવા માટેના પાંજરા ગોઠવવાની અને અન્ય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા ૨૦ દિવસમાં આ વિસ્તારમાં આવી ૪ ઘટનાઓ બની હોવાથી માલધારીઓ પોતાના પશુઓ અને પરિવારની સુરક્ષાને લઈને ચિંતામાં મુકાયા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાત પર આગામી ૭ દિવસ મેઘરાજાની આફત, હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ‘રેડ એલર્ટ’ જાહેર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments