Desi Market in New Jersey: ગુજરાતીઓ દુનિયાના ગમે તે ખૂણે જાય, પણ તેમનો સ્વાદ અને દેશી શાકભાજી માટેનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. આવો જ એક કિસ્સો અમેરિકાના ન્યૂ જર્સીમાંથી સામે આવ્યો છે, જ્યાં એક નવા ઇન્ડિયન સુપરમાર્કેટના ગ્રાન્ડ ઓપનિંગ દરમિયાન સસ્તા પરવળ ખરીદવા માટે ગુજરાતીઓ એકબીજા પર તૂટી પડ્યા હતા. સ્થિતિ એવી સર્જાઈ કે ન્યૂ જર્સીનો આ મોભાદાર સ્ટોર ભારતની કોઈ સ્થાનિક ગુજરી બજાર કે શાકભાજી માર્કેટ જેવો દેખાવા લાગ્યો હતો!

Desi Market in New Jersey: $1.99 ની ‘પરવળ ઓફર’ અને મચી ગઈ અફરાતફરી
ન્યૂ જર્સીમાં આ અઠવાડિયે શરૂ થયેલા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરે ગ્રાહકોને આકર્ષવા માટે એક પ્રમોશનલ ઓફર મૂકી હતી. સામાન્ય રીતે અમેરિકામાં આયાત થતા દેશી શાકભાજી ખૂબ મોંઘા હોય છે, પણ આ સ્ટોરે ઉદ્ઘાટન નિમિત્તે પરવળ માત્ર 1.99 યુએસ ડોલર પ્રતિ પાઉન્ડ (આશરે રૂ. 370 પ્રતિ કિલો) આપવાની જાહેરાત કરી દીધી.
આ ડિસ્કાઉન્ટની વાત વાયુવેગે સ્થાનિક ભારતીય સમુદાય અને ખાસ કરીને ગુજરાતીઓમાં ફેલાઈ ગઈ. બસ પછી તો પૂછવું જ શું? સ્ટોર ખૂલવાના કલાકો પહેલાં જ બહાર લાંબી-લચક લાઈનો લાગી ગઈ હતી.

Desi Market in New Jersey: સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ: જાણે ભારતની શાકભાજી માર્કેટ!
જેવા સ્ટોરના દરવાજા ખૂલ્યા, ગ્રાહકો સીધા શાકભાજી સેક્શન તરફ દોડ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટોક ખલાસ થઈ જાય તે પહેલાં પરવળની થેલીઓ ભરવા માટે લોકોમાં ભારે ખેંચતાણ અને પડાપડી થઈ રહી છે.
- ચાલવું પણ મુશ્કેલ: સ્ટોરની અંદર એટલી ભીડ થઈ ગઈ કે પગ મૂકવાની જગ્યા નહોતી.
- બિલિંગ કાઉન્ટર પર ટ્રાફિક: સસ્તા પરવળ લીધા પછી બિલિંગ કરાવવા માટે પણ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું.
- સ્ટોક થઈ ગયો ‘સાફ’: પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, પરવળનો ક્રેઝ એટલો હતો કે ગણતરીની મિનિટોમાં જ બધો સ્ટોક ખાલી થઈ ગયો હતો. જો કે, સારી વાત એ રહી કે આ અફરાતફરીમાં કોઈને ઈજા થઈ ન હતી.

Desi Market in New Jersey: નેટીઝન્સે લીધી મજા: “ડોલર કમાય પણ દેશી વટ ન જાય!”
આ ઘટનાનો વીડિયો ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર ખૂબ જ રમુજી કમેન્ટ્સ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું, “અમેરિકાના ન્યૂ જર્સીમાં અમદાવાદના કાલુપુર માર્કેટ જેવો માહોલ સર્જી દીધો!”
જ્યારે બીજા યુઝરે મજાક કરતાં લખ્યું, “ડોલર ભલે ગમે તેટલા કમાય, પણ સસ્તું શાકભાજી જોઈને ભારતીયો પોતાનો કંટ્રોલ ગુમાવી જ બેસે છે.”
સ્ટોકના પરવળ પૂરા થતાં જ ભીડ ધીમે-ધીમે ઓછી થઈ હતી અને સ્ટોરના સ્ટાફે રાહતનો શ્વાસ લઈને પરિસ્થિતિ થાળે પાડી હતી. પણ આ ઘટનાએ સાબિત કરી દીધું કે વિદેશમાં ગમે તેટલી લક્ઝરી લાઈફ હોય, દેશી શાકભાજીનો ક્રેઝ કંઈક અલગ જ છે!
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




