Surat ACB Trap: સુરત શહેરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ લાલઆંખ કરવામાં આવી છે. સુરત ACBની ટીમે વધુ એક સફળ ટ્રેપ ગોઠવીને સુરત મહાનગરપાલિકાના આકારણી વિભાગના એક ક્લાર્કને રૂ. ૩,૫૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. મકાનનો રહેણાંક (રેસિડેન્શિયલ) વેરો ચાલુ રાખવા અને ખોટો ટેક્સ ન ફટકારવા માટે લાંચ માંગનાર આ કર્મચારીની ધરપકડથી પાલિકા આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Surat ACB Trap: જાણો શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન આકારણી (ટેક્સ) વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાકેશકુમાર ચંદુભાઈ શ્રીમાળી દ્વારા એક જાગૃત નાગરિક (ફરિયાદી) પાસે લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદીના મકાનના એક રૂમને ગોડાઉન તરીકે દર્શાવીને, ‘જો તમે પૈસા નહીં આપો તો કોમર્શિયલ વેરો લાગશે અને મોટું બિલ આવશે’ તેવી ધમકી ક્લાર્ક દ્વારા આપવામાં આવી હતી. મકાનનો સામાન્ય રેસિડેન્શિયલ વેરો જ ચાલુ રાખવાના બદલામાં આરોપી ક્લાર્કે રૂ. ૩,૫૦૦ની લાંચ માંગી હતી.
Surat ACB Trap: જાગૃત નાગરિકે ACBનો સંપર્ક કર્યો

ફરિયાદી નાગરિક લાંચ આપવા બિલકુલ ઈચ્છતા નહોતા, તેથી તેમણે હિંમત દાખવીને આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું. તેમણે તાત્કાલિક સુરત ACB કચેરીનો સંપર્ક સાધ્યો અને ક્લાર્ક રાકેશકુમાર શ્રીમાળી વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ACBની ટીમે વરાછા ઝોન ઓફિસની આસપાસ એક સુઆયોજિત ટ્રેપ (લાંચનું છટકું) ગોઠવ્યો હતો.
Surat ACB Trap: ફૂટપાથ પર ગોઠવાયેલું છટકું અને રંગેહાથ ધરપકડ
આયોજન મુજબ, ફરિયાદી લાંચની રકમ આપવા માટે વરાછા ઝોન ઓફિસ નજીક પહોંચ્યા હતા. ત્યાં ફૂટપાથ પર આરોપી ક્લાર્ક રાકેશકુમાર ફરિયાદીને મળ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે લાંચના કામ અંગે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ત્યારબાદ જેવા રૂ. ૩,૫૦૦ સ્વીકાર્યા, કે તરત જ આસપાસ વોચમાં ગોઠવાયેલી ACBની ટીમે તેને દબોચી લીધો હતો.
આરોપી ક્લાર્ક સ્થળ પર જ લાંચની રોકડ રકમ સાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ACB દ્વારા લાંચની સમગ્ર રકમ રિકવર કરી લેવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :જ્ઞાન સહાયકો માટે મોટા રાહતના સમાચાર: રાજ્ય સરકારનો કરાર રિન્યુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય




