Caught on CCTV: વડોદરા શહેરના પોશ ગણાતા રેસકોર્સ વિસ્તારના એક જાણીતા જ્વેલરી શો-રૂમમાં ચોરીનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. માથે ગોગલ્સ અને હાથ પર ટેટૂ ત્રાજવીને એકદમ હાઈ-પ્રોફાઈલ લુકમાં આવેલી મહિલાએ લાખો રૂપિયાના દાગીના મોઢામાં છુપાવીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્ટાફની સતર્કતા અને સીસીટીવી (CCTV) કેમેરાના કારણે આ ‘સોફેસ્ટિકેટેડ ચોર’ મહિલાનો ભાંડો ફૂટી ગયો હતો.

Caught on CCTV: વાતોમાં પરોવી મોઢામાં છુપાવી દીધી વીંટી અને બુટ્ટી
મહિલા ગ્રાહક બનીને શો-રૂમમાં પ્રવેશી હતી અને સોના તેમજ ડાયમંડના દાગીના જોવાનું શરૂ કર્યું હતું. સ્ટાફ જ્યારે દાગીના બતાવી રહ્યો હતો, ત્યારે મહિલાએ તેમને પોતાની વાતોમાં વ્યસ્ત રાખી નજર ચૂકવી દીધી હતી. આ દરમિયાન તેણે આશરે રૂપિયા 1 લાખની કિંમતની સોના-ડાયમંડની ઈયરરિંગ્સ (બુટ્ટી) અને ફિંગર રિંગ (વીંટી) સીધી પોતાના મોઢામાં છુપાવી દીધી હતી.

Caught on CCTV: સ્ટાફની કડકાઈ સામે ખુલી ગઈ પોલ, પગે પડીને માંગી માફી
દાગીના બતાવી રહ્યા બાદ જ્યારે સ્ટાફે ગણતરી કરી તો કેટલીક વસ્તુઓ ઓછી જણાઈ હતી. સ્ટાફને મહિલાની હિલચાલ પર શંકા જતા તુરંત જ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં ચોરીની સમગ્ર ઘટના સ્પષ્ટ કેદ થઈ ગઈ હતી. સ્ટાફે કડકાઈથી પૂછપરછ શરૂ કરતા જ મહિલા ગભરાઈ ગઈ હતી અને તેના મોઢામાંથી ચોરી કરેલા દાગીના મળી આવ્યા હતા. રંગેહાથ પકડાઈ જતા જ મહિલાએ પોતાની આબરૂ બચાવવા સ્ટાફના પગે પડીને માફી માંગવાનું શરૂ કરી દીધું હતું.
“મહિલાએ વસ્તુઓ જોવાના બહાને ચોરી કરી હતી અને શરૂઆતમાં તે સ્વીકારવા તૈયાર નહોતી. પરંતુ અમારા સ્ટાફની સતર્કતા અને CCTVના કારણે અમે આ ચોરી પકડી પાડી છે.”
— પ્રશાંતભાઈ, શો-રૂમ મેનેજર

Caught on CCTV: માનસિક સ્થિતિ જોતા જ્વેલર્સે ફરિયાદ ન કરી, પોલીસ મુક્ત કરી
ઘટનાની જાણ થતાં જ અકોટા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મહિલાની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસને આશંકા હતી કે આ મહિલા અગાઉ પણ અન્ય શો-રૂમમાં આવી ચોરી કરી ચૂકી હશે અથવા કોઈ ગેંગ સાથે સંકળાયેલી હશે.

જોકે, આ મામલે એક નવો વળાંક આવ્યો હતો. અકોટા પોલીસ સ્ટેશનના PI ડી.વી. બલદાણીયાએ જણાવ્યું હતું કે, સીસીટીવીમાં ચોરી સાબિત થતી હોવા છતાં, મહિલાની માનસિક સ્થિતિ બરાબર ન હોવાનું જણાતા શો-રૂમ સંચાલકોએ માનવતાવાદી અભિગમ અપનાવી તેની સામે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. ફરિયાદ ન થવાના કારણે પોલીસે આખરે મહિલાને છોડી મૂકી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




