Chilling Revelation: રાજકોટ શહેર પોલીસ ચોપડે નોંધાયેલી સૌથી પેચીદી, રહસ્યમય અને હૃદયદ્રાવક ગુનાહિત ઘટનાઓ પૈકીની એક એવી ‘ધડ વગરના માથા’ની મિસ્ટ્રી આખરે 8 વર્ષ બાદ મહદઅંશે ઉકેલાઈ ગઈ છે. વર્ષ 2018માં આજી નદીના પટમાંથી મળી આવેલા માસૂમ બાળકના કપાયેલા માથાના ગુના તાર પશ્ચિમ બંગાળના એક નરાધમ અને ક્રૂર ઠેકેદાર સાથે જોડાયા છે. હાલમાં શંકાસ્પદ પરિવારના DNA સેમ્પલ ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરી (FSL) માં મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ સત્તાવાર રીતે આરોપીની ધરપકડ કરશે.

Chilling Revelation: ગયા વર્ષે ઝડપાયેલા ઠેકેદારે ઓકી હકીકત: 21 બાળકોને કરાવ્યા હતા મુક્ત
આ ચકચારી કેસમાં વળાંક બરાબર એક વર્ષ પહેલાં, 7 જૂન, 2025 ના રોજ આવ્યો હતો. રાજકોટ પોલીસે પશ્ચિમ બંગાળના એક ક્રૂર ઠેકેદાર અજીતમુલા અઝમતમુલાને ઝડપી પાડી તેના ચુંગાલમાંથી 21 જેટલા બંધક બાળકોને મુક્ત કરાવ્યા હતા.
અજીતમુલા પશ્ચિમ બંગાળના ગરીબ પરિવારોને માસિક ₹8,000 ની લાલચ આપી બાળકોને રાજકોટ મજૂરી માટે લાવતો હતો. જો કોઈ બાળક કામ કરવાની ના પાડે કે સામો જવાબ આપે, તો તે તેના પર અમાનુષી અત્યાચાર ગુજારતો હતો. પોલીસને તેની આ ક્રૂરતા પર શંકા જતાં, 2018ના વણઉકેલાયેલા કેસ અંગે આકરી પૂછપરછ કરી હતી, જેમાં તેણે આ ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી હતી. જોકે, ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં નોંધાયેલા માનવ તસ્કરીના ગુના હેઠળ ત્યાંની પોલીસે તેની ધરપકડ કરી હતી.

Chilling Revelation: બંગાળમાં તપાસ દરમિયાન ભોગ બનનાર પરિવાર મળ્યો
પશ્ચિમ બંગાળ પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતાં ત્યાં એક એવો ગરીબ પરિવાર મળી આવ્યો હતો, જેણે પોતાનું બાળક અજીતમુલાને સોંપ્યું હતું પરંતુ તે ક્યારેય પરત ફર્યું નહોતું. આ મજબૂત કડીના આધારે પોલીસે તે પરિવારના DNA સેમ્પલ મેળવીને ગાંધીનગર સ્ટેટ એફએસએલ (FSL) લેબમાં મોકલી આપ્યા છે. આ રિપોર્ટ પોઝિટિવ આવતાં જ રાજકોટ પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીને બંગાળથી રાજકોટ લાવશે.

Chilling Revelation: કેસ ટાઇમલાઇન: 18 ડિસેમ્બર, 2018ની તે ગોઝારી સવાર
બજારમાં સનસનાટી મચાવનાર આ ઘટનાક્રમની શરૂઆતથી અંત સુધીની સફર કંઈક આ પ્રકારે રહી છે:
| ઘટનાક્રમ | વિગતવાર માહિતી |
| ૧. ઘટનાસ્થળ અને પ્રાથમિક તપાસ | ભગવતીપરા અને રાજીવનગરને જોડતા બેઠા પૂલ નજીક આજી નદીના પટમાંથી સવારે કુદરતી હાજતે ગયેલી મહિલાઓને 10થી 12 વર્ષના બાળકનું કપાયેલું માથું મળ્યું હતું. સ્થાનિક નાગરિકની જાણ પરથી ક્રાઇમ બ્રાન્ચ, SOG અને બી-ડિવિઝન પોલીસ કાફલો દોડી ગયો હતો. |
| ૨. અંગોની શોધખોળ | બાળકના શરીરના અન્ય ભાગો શોધવા ફાયર બ્રિગેડના તરવૈયાઓએ આજી નદી ખંગાળી હતી. આસપાસના અવાવરુ કૂવા અને ભૂગર્ભ ગટરો પણ તપાસવામાં આવી હતી, પરંતુ ધડ મળી આવ્યું ન હતું. |
| ૩. ઇનામ અને સ્કેચ | બાળકની ઓળખ માટે પોલીસે તજજ્ઞો પાસે તેનો સંભવિત ચહેરો દર્શાવતો સ્કેચ તૈયાર કરાવી જાહેર સ્થળોએ લગાવ્યો હતો અને ઓળખ આપનારને ₹50,000 નું ઇનામ જાહેર કર્યું હતું. |
| ૪. ડેટા એનાલિસિસ | તપાસ દરમિયાન પોલીસે આજી નદી વિસ્તારના આસપાસના ટાવરોનો આશરે 2 લાખ જેટલા ફોનનો ડમ્પ ડેટા પણ ચેક કર્યો હતો, છતાં કોઈ સફળતા મળી નહોતી. |
| ૫. 114 દિવસ બાદ દફનવિધિ | સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં લાંબો સમય સાચવી રાખ્યા બાદ, અંતે બનાવના 114 દિવસ બાદ (12 એપ્રિલે) બી-ડિવિઝન પોલીસે ભાવનગર રોડ પર આવેલા સ્મશાન ખાતે ધાર્મિક વિધિપૂર્વક આ કપાયેલા માથાની દફનવિધિ કરી હતી. |
પોલીસ સૂત્રોના મતે: ટેકનોલોજી, ડમ્પ ડેટા અને સેંકડો પ્રયાસો છતાં જે કેસ 8 વર્ષથી વણઉકેલાયેલો હતો, તે માનવ તસ્કરીના રેકેટના પર્દાફાશ અને સાયન્ટિફિક DNA ટેસ્ટના સહારે હવે તેના અંતિમ અંજામ સુધી પહોંચી ગયો છે. આરોપીને કડક સજા અપાવવા માટે પોલીસ કાયદાકીય પુરાવા મજબૂત કરી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




