Weather Update: સમગ્ર ગુજરાતમાં હાલ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે અને અસહ્ય બફારાથી જનજીવન તોબા પોકારી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સુરેન્દ્રનગર 44.7°C મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે. જોકે, ગરમીની આ ભઠ્ઠીમાંથી ટૂંક સમયમાં રાહત મળવાના સંકેત છે. પંજાબથી પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી સર્જાયેલા ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 48 કલાક પછી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદી ઇનિંગ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.


Weather Update: મુખ્ય શહેરોના તાપમાનની સ્થિતિ
રાજ્યના મહાનગરોમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો છે:
- અમદાવાદ: મહત્તમ 44.4°C (લઘુત્તમ તાપમાન 28.8°C, જે સામાન્ય કરતાં 0.6°C વધુ છે)
- રાજકોટ: 43.6°C
- ગાંધીનગર: 43.5°C
- ડીસા: 42.2°C
- વડોદરા: રાત્રિનું લઘુત્તમ તાપમાન 30.0°C જેટલું ઊંચું નોંધાતાં લોકો અસહ્ય બફારાથી પરેશાન થયા છે.
‘હોટ એન્ડ હ્યુમિડ’ની ચેતવણી: હવામાન વિભાગે આજે (29 મે) અમદાવાદ, ગાંધીનગર, વડોદરા ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે ભારે અકળામણ થવાની ચેતવણી જાહેર કરી છે. જોકે, આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 3 થી 5°Cનો મોટો ઘટાડો થવાની સંભાવના છે.

Weather Update: ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલટાયું
ગુરુવારે દિવસભરની કાળઝાળ ગરમી બાદ સાંજે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પાલનપુર, વડગામ, દાંતા અને અમીરગઢ સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી.
Weather Update: ગુજરાતમાં વરસાદનું 5 દિવસનું વિસ્તૃત સમયપત્રક
આજના દિવસ સુધી હવામાન સૂકું રહેશે, પરંતુ 30 મેથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે:
30 મે (શનિવાર)
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં 40થી 50 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
31 મે (રવિવાર)
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે. અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની ખાસ ચેતવણી આપવામાં આવી છે.
1 થી 3 જૂન
વરસાદનો વ્યાપ વધશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ સહિત ઉત્તર-દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
- 1 જૂન: દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની ચેતવણી.
- 2 જૂન: છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
દેશભરની સ્થિતિ: 15 રાજ્યોમાં એલર્ટ, યુપીમાં વાવાઝોડાથી 6નાં મોત
દેશના અન્ય ભાગોમાં પણ હવામાનનો મિજાજ બદલાયો છે. ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 15થી વધુ રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે.
- રાજસ્થાન: 12 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે. શ્રીગંગાનગરમાં નૌતપા વચ્ચે મહત્તમ તાપમાન 47.1°C રહ્યું હતું, પરંતુ સાંજે ત્યાં કરા પડ્યા હતા.
- ઉત્તર પ્રદેશ: લખનઉ, પ્રયાગરાજ, ઝાંસી અને ચંદૌલીમાં શુક્રવારે સવારે 100 કિમી/કલાકની ઝડપે ફૂંકાયેલા પવન સાથે ભારે વરસાદ થયો હતો. હમીરપુરમાં વાવાઝોડાને કારણે એક નિર્માણાધીન પુલ ધરાશાયી થતાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
Weather Update: ચોમાસાની પ્રગતિ
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલમાં માલદીવ, કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્ર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આગામી 2થી 3 દિવસમાં તે બંગાળની ખાડીના બાકીના ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
Weather Update: સાવચેતી: ગરમીમાં ગેજેટ્સ બ્લાસ્ટ થવાનું જોખમ!
નવતપા દરમિયાન તાપમાન 45°Cની આસપાસ પહોંચી જતાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ (મોબાઇલ, લેપટોપ, ઇયરબડ્સ કે પાવર બેંક) ઓવરહીટ થવાનું જોખમ વધી જાય છે. આનાથી બેટરી ડેમેજ થવી, લો પરફોર્મન્સ કે ડિવાઇસ અચાનક બંધ થઈ જવાની અથવા બ્લાસ્ટ થવાની સમસ્યાઓ થઈ શકે છે. તેથી, બપોરના સમયે ગેજેટ્સને સીધા સૂર્યપ્રકાશ કે ગરમ વાતાવરણથી દૂર રાખવા અપીલ કરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




