Ahmedabad Love Guru Scam: સોશિયલ મીડિયા પર ‘લવ ગુરુ’ અને ‘કિન્નર માતા’ બનીને પ્રેમ સંબંધો તેમજ ડિવોર્સની સમસ્યાઓ ઉકેલવાના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના બીજા મુખ્ય સાગરિતને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ વિકાસ પોખરાજ ભાર્ગવ (રહે. બિકાનેર, રાજસ્થાન) તરીકે થઈ છે. આ ગેંગે છેલ્લા બે વર્ષમાં ફેક પ્રોફાઈલ અને સોશિયલ મીડિયા એડ્સ દ્વારા અનેક મહિલાઓને બ્લેકમેલ કરીને ₹૬૦ લાખથી વધુની રકમ પડાવી લીધી છે.

Ahmedabad Love Guru Scam: ૧૮થી ૩૫ વર્ષની મહિલાઓ હતી ટાર્ગેટ, આ રીતે ચાલતું કૌભાંડ
સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી (DCP) ના જણાવ્યા અનુસાર, આ આખું કૌભાંડ મુખ્ય માસ્ટરમાઈન્ડ રજનીશ, વિકાસ અને રવિ એમ ત્રણ શખસો મળીને ચલાવતા હતા. તેઓ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ‘પૂજા કિન્નર’, ‘કિન્નર માતા’ અને ‘લવ ગુરુ રિલેશનશિપ’ જેવા નામે નકલી પ્રોફાઈલ બનાવતા હતા.
૧. ખાસ એડ્સ દ્વારા ટાર્ગેટ: આરોપી વિકાસ ભાર્ગવ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ૧૮થી ૩૫ વર્ષની એવી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો જેમને એસ્ટ્રોલોજી કે લવ પ્રોબ્લેમ્સમાં રસ હોય. તે આવી ઓપન પ્રોફાઇલવાળી મહિલાઓને શોધીને રિક્વેસ્ટ મોકલતો અને એડ્સ ચલાવતો હતો. ૨. મહિલાના અવાજમાં વાતચીત: ગેંગનો માસ્ટરમાઈન્ડ રજનીશ વોટ્સએપ કોલ પર પોતે કિન્નર હોવાનો ઢોંગ કરીને સ્ત્રી જેવા અવાજમાં વાત કરતો હતો જેથી મહિલાઓ તેના પર ભરોસો કરી લેતી હતી. ૩. પૂજા અને વિધિના નામે ખંડણી: શરૂઆતમાં તેઓ રિલેશનશિપની સમસ્યા દૂર કરવા માટે ‘શ્રીફળના જાપ’ અને ‘શુદ્ધિકરણ વિધિ’ ના બહાને ઓનલાઈન હજારો રૂપિયા પડાવતા હતા.
Ahmedabad Love Guru Scam: વિધિના નામે લાઈવ સ્ટ્રિમિંગ કરાવી કરતા હતા બ્લેકમેલ
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો વધુ ચોંકાવનારી છે. જ્યારે કોઈ મહિલા તેમની જાળમાં પૂરેપૂરી ફસાઈ જતી, ત્યારે તેઓ ‘શુદ્ધિકરણ’ વિધિના બહાને મહિલાને વીડિયો કોલ પર લાઈવ સ્ટ્રિમિંગ કરવા કહેતા હતા. આ દરમિયાન તેઓ ગુપ્ત રીતે મોબાઈલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેતા હતા અને બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવતા હતા. આ ટોળકી દર મહિને ૩૦૦થી ૪૦૦ મહિલાઓને ટાર્ગેટ કરતી હતી, જેમાંથી ૫૦થી ૬૦ મહિલાઓ તેમનો ભોગ બનતી હતી.
Ahmedabad Love Guru Scam: પડાવેલા પૈસાથી ફરી એડ્સ ચલાવતા:
છેલ્લા બે વર્ષમાં આ ત્રિપુટીએ કુલ ₹૬૦ લાખની છેતરપિંડી આચરી છે. આ પૈસાનો ઉપયોગ તેઓ પોતાની મોજશોખ માટે અને વધુ મહિલાઓ સુધી જાળ ફેલાવવા માટે ઇન્સ્ટાગ્રામ પર પેઇડ એડ્સ (Paid Ads) ચલાવવા માટે કરતા હતા. હાલ પોલીસે વિકાસ ભાર્ગવની ધરપકડ કરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




