Ahmedabad Cyber Fraud: અમદાવાદમાં પત્નીના કેન્સરની સારવાર માટે વધુ કમાણીની લાલચે આધેડે ગુમાવ્યા ₹57.85 લાખ; નકલી પોર્ટલ બતાવી આચરી છેતરપિંડી

0
83
Ahmedabad Cyber Fraud
Ahmedabad Cyber Fraud

Ahmedabad Cyber Fraud: અમદાવાદ શહેરમાં સાયબર ફ્રોડનો એક અત્યંત ચોંકાવનારો અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 51 વર્ષીય ગ્રાફિક ડિઝાઇનર ધર્મેશ મિસ્ત્રી શેરબજારમાં ઊંચા વળતરની લાલચમાં પોતાની જિંદગીભરની કમાણી ગુમાવી બેઠા છે. શાતિર ઠગોએ પૂર્વ આયોજિત કાવતરા અંતર્ગત બેન્ક ટ્રાન્સફર અને આંગડિયા પેઢી મારફતે કુલ ₹57,85,500 પડાવી લીધા હતા. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Ahmedabad Cyber Fraud

Ahmedabad Cyber Fraud: ₹2 કરોડના ફંડેડ એકાઉન્ટ અને 5% રોજની કમાણીની જાળ

છેતરપિંડીની આ રમત જૂન 2025માં શરૂ થઈ હતી જ્યારે ધર્મેશભાઈ પર ‘STOCK OPERATOR.IN’ કંપનીના નામે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો:

  • પ્રવિણ અને અનિલ દુબે નામના ઠગોએ તેમને લાલચ આપી કે જો તેઓ ₹39,99,999 રોકશે, તો તેમનું ₹2 કરોડનું ‘સ્પેશિયલ ફંડેડ એકાઉન્ટ’ ખુલશે.
  • આ એકાઉન્ટ પર રોજનું 5% વળતર અને નફાના 70% ક્લાયન્ટને આપવાનો વાયદો કરાયો હતો.
  • વિશ્વાસ જીતવા માટે ઠગોએ શરૂઆતમાં ₹3,54,000થી ટ્રેડિંગ આઈડી શરૂ કરાવી એક નકલી એગ્રીમેન્ટ પણ મોકલી આપ્યો હતો.

Ahmedabad Cyber Fraud: પત્નીની કેન્સરની બીમારી વચ્ચે આંધળો વિશ્વાસ કર્યો

આ જ સમયગાળા દરમિયાન ધર્મેશભાઈના પત્નીને કેન્સર જેવી ગંભીર બીમારી ડિટેક્ટ થઈ હતી. હોસ્પિટલ અને સારવારના મોટા ખર્ચને પહોંચી વળવા માટે તાત્કાલિક મોટી રકમની જરૂર હોવાથી, તેઓ શેરબજારમાંથી મોટી કમાણીની આશાએ ઠગોની વાતોમાં આવી ગયા અને આંધળો વિશ્વાસ કરી બેઠા.

Ahmedabad Cyber Fraud: બેન્ક એકાઉન્ટ સિવાય આંગડિયાથી મંગાવ્યા લાખો રૂપિયા

સાયબર ઠગોએ ટેકનિકલ ખામીના બહાના હેઠળ બેન્ક ખાતા ઉપરાંત, મુંબઈ વાશી ખાતે આવેલી આંગડિયા પેઢીઓ મારફતે ભાવેશ નામના વ્યક્તિના મોબાઈલ નંબર પર અલગ-અલગ તારીખે કુલ ₹49,50,000 મંગાવી લીધા હતા. ગ્રાફિક ડિઝાઇનરને ભરોસો આપવા માટે ઠગોએ એક નકલી વેબસાઈટ પર બોગસ ડેશબોર્ડ બનાવ્યું હતું, જેમાં ડિજિટલ આંકડાઓમાં ધર્મેશભાઈનો નફો વધીને ₹2,49,53,930 બતાવવામાં આવી રહ્યો હતો.

Ahmedabad Cyber Fraud: પત્નીની તબિયત બગડતાં વિડ્રો કરવા દબાણ કર્યું, તો વધુ રૂપિયા પડાવ્યા

નવેમ્બર 2025ના અંતમાં પત્નીની તબિયત વધુ બગડતાં હોસ્પિટલના ખર્ચ માટે ધર્મેશભાઈએ પોતાના રૂપિયા અને નફો વિડ્રો (પાછા ખેંચવા) કરવા માટે વિરાજ અને અનિલ દુબે નામના ઠગો પર દબાણ કર્યું.

પૈસા પાછા આપવાના બદલે ઠગોએ સૂરજ સિંઘ અને શોહેલ નામના અન્ય સાગરીતોને એડમિન વિભાગના નામે મેદાનમાં ઉતાર્યા અને ઓટીપી જનરેશન ફી પેટે UPI દ્વારા ₹90,500 અને આંગડિયાથી બીજા ₹4 લાખ પડાવી લીધા. આમ, ટુકડે-ટુકડે કુલ 57.85 લાખથી વધુ રકમ પડાવ્યા બાદ ઠગોએ પોતાના તમામ ફોન બંધ કરી દીધા હતા.

છેતરપિંડીનો અહેસાસ થતાં જ ધર્મેશભાઈએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસ ફેક વેબસાઈટ ચલાવનારા અને આંગડિયા-બેન્ક ખાતાધારકોની શોધખોળ કરી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 ફિલ્મી સ્ક્રિપ્ટ જેવો રિયલ કિસ્સો, આમિર ખાન અને સની દેઓલ સાથે કામ કરનાર ગુજરાતી એક્ટર નીકળ્યો આજીવન કેદનો ફરાર કાતિલ!