Khaki Brutality in Ahmedabad: ખાખીનો ખોફ અમદાવાદમાં રૂમ ભાડે ન મળતાં પોલીસકર્મીની ગુંડાગીરી; ઘાંચી ભવનના કર્મચારીને ઓફિસમાં ઘૂસી ઢોર માર માર્યો, CCTV ફૂટેજ વાયરલ

0
91
Khaki Brutality in Ahmedabad
Khaki Brutality in Ahmedabad

Khaki Brutality in Ahmedabad: અમદાવાદના ખાનપુર વિસ્તારમાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોવાની શરમજનક ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ ખાનપુર સ્થિત ‘ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ ભવન’માં રૂમ ખાલી ન હોવા જેવી સામાન્ય બાબતે કાયદો હાથમાં લઈ, ફરજ પરના કર્મચારીને ઓફિસમાં ઘૂસીને નિર્દયતાથી માર માર્યો હતો. આ સમગ્ર મારામારીની ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.

Khaki Brutality in Ahmedabad: રૂમ ન મળતાં ઉશ્કેરાયો પોલીસકર્મી, રજિસ્ટર ફાડીને લાફા ઝીંક્યા

Khaki Brutality in Ahmedabad

મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં ફરજ બજાવતો નવાઝ ગુલામ રસુલ નામનો પોલીસકર્મી ખાનપુરના ઘાંચી ભવન ખાતે આવ્યો હતો અને ત્યાં રૂમ ભાડે આપવાની માંગણી કરી હતી. જોકે, તે સમયે ભવનમાં કોઈ રૂમ ખાલી ન હોવાથી ત્યાં ફરજ પર હાજર કર્મચારી શેખ મોહમદ ફરદીને નિયમ મુજબ રૂમ આપવાની ના પાડી હતી. આ સાંભળતાં જ પોલીસકર્મી નવાઝ પિત્તો ગુમાવી બેઠો હતો. તેણે ખાખી વર્દીનો રોફ જમાવી બુકિંગ ઓફિસમાં જબરદસ્તી પ્રવેશ કર્યો હતો અને જાતે જ રજિસ્ટર તપાસવા લાગ્યો હતો. કર્મચારીએ વિરોધ કરતાં નવાઝે બીભત્સ ગાળો આપીને ફરદીન પર આડેધડ લાફા ઝીંકી દીધા હતા અને ઢોર માર માર્યો હતો.

Khaki Brutality in Ahmedabad: પોલીસ પોતાની જ પીઠ બચાવતી હોવાના આક્ષેપ, અરજી છતાં FIR નહીં!

Khaki Brutality in Ahmedabad

આ હુમલા બાદ ભયભીત થયેલા પીડિત કર્મચારી શેખ મોહમદ ફરદીને ન્યાય મેળવવા માટે શાહપુર પોલીસ મથકમાં લેખિત અરજી આપી હતી. સામાન્ય નાગરિક સામે નાની બાબતમાં પણ તાત્કાલિક ગુનો નોંધતી પોલીસ પોતાના જ વિભાગના કર્મચારી સામે પગલાં લેવામાં ભારે ઢીલાશ દાખવી રહી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા પણ જોર પકડી રહી છે કે આરોપી પોલીસ ખાતાનો હોવાથી મામલા પર ભીનું સંકેલી લેવા અને સમાધાન કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

શાહપુર પોલીસે આપી સફાઈ: કાયદો બધા માટે સમાન, આગળ કાર્યવાહી થશે

Khaki Brutality in Ahmedabad

આ સમગ્ર વિવાદ અને ખાખીના દુરુપયોગ અંગે શાહપુર પોલીસની નબળી કામગીરી સામે સવાલો ઉભા થતાં પોલીસે સફાઈ પેશ કરી છે. શાહપુર પોલીસના જણાવ્યા અનુસાર, “આ કેસમાં બંને પક્ષો એક જ જ્ઞાતિના છે અને અરજદારના પિતા પણ સમાજની કારોબારીના સભ્ય છે. હાલ તેઓ આ વિષયમાં કાયદાકીય રીતે વધુ આગળ વધવા માંગતા હોય તેવું લાગતું નથી. તેમણે અમને માત્ર અરજી આપીને જણાવ્યું છે કે જો આગળ કોઈ કાર્યવાહી કરવી હશે તો તેઓ પોલીસ પાસે આવશે.”

પોલીસે સમાધાન કરાવવાના આક્ષેપોને નકારતાં ઉમેર્યું હતું કે, “પોલીસ દ્વારા કોઈ દબાણ કે સમાધાન કરાવવામાં આવ્યું નથી. આમ છતાં, જો ભવિષ્યમાં ભોગ બનનાર પક્ષ તરફથી આગળ કોઈ પ્રોસેસ કરવામાં આવશે, તો કાયદો બધા માટે સમાન હોવાથી તે પોલીસકર્મી સામે પણ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે જ.”

હાલ તો આ સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં સોશિયલ મીડિયા પર લોકો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની દાદાગીરી સામે રોષ ઠાલવી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: જેલમાંથી ઓપરેટ થતી ગેંગ બિહારની જેલમાંથી કુંદને કરાવી સુરતની SBIમાં 50 લાખની લૂંટ; ડેટા મેચ થતાં UPથી બે સાગરીતો ઝડપાયા