Tragedy on Lakhtar-Viramgam Highway: ગુજરાતના ધોરીમાર્ગો પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક કાળજું કંપાવી દે તેવી ગોઝારી દુર્ઘટના સર્જાઈ છે. ભક્તિના માર્ગે નીકળેલા પદયાત્રીઓના સંઘને બેફામ ગતિએ આવતા ડમ્પરે કચડી નાખતા 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં ભરવાડ સમાજના એક જ પરિવારના સભ્યોએ જીવ ગુમાવતા સમગ્ર માલધારી સમાજમાં માતમ છવાઈ ગયો છે.
Tragedy on Lakhtar-Viramgam Highway: ભક્તિનો માર્ગ રક્તરંજિત બન્યો

મળતી માહિતી મુજબ, રાજકોટથી મેરા ગામે મંદિરે ધજા ચડાવવા માટે ભરવાડ સમાજનો પદયાત્રી સંઘ નીકળ્યો હતો. ગત મોડી રાત્રે જ્યારે આ સંઘ લખતરના છારદ અને ભાસ્કરપરા ગામ વચ્ચે પહોંચ્યો, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક કાળમુખા ડમ્પરે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે 7 લોકોના પ્રાણ પંખેરુ ઘટનાસ્થળે જ ઉડી ગયા હતા, જ્યારે 4થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Tragedy on Lakhtar-Viramgam Highway: પરિવાર પર વજ્રઘાત: મંદિરે ધજા ચડે તે પહેલા ખાપણ ઢંકાયા

આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ મૃતકો એક જ મુંધવા પરિવારના હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે.
- મૃતકોના નામ: મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 સભ્યો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડમ્પરની ટક્કર એટલી પ્રચંડ હતી કે પદયાત્રીઓના મૃતદેહો હાઈવે પર ક્ષત-વિક્ષત હાલતમાં વેરવિખેર થઈ ગયા હતા. જે પરિવાર આજે સવારે મંદિરે ધજા ચડાવવાનો હતો, તે પરિવારના 7 સભ્યોના મોતના સમાચારથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
તંત્ર અને સમાજના અગ્રણીઓ ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતા જ લખતર પોલીસનો કાફલો ત્વરિત ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાની અને દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમાર પણ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસના આદેશ આપ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હોસ્પિટલ ખાતે ગેડીયા મહંત સહિત ભરવાડ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. એકસાથે 7 અર્થીઓ ઉઠવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે.




