India to Citizens in Iran: મધ્ય પૂર્વમાં ભભૂકી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે ગંભીર ચેતવણી જારી કરી છે. અમેરિકા ગમે ત્યારે ઈરાન પર મોટો હુમલો કરી શકે તેવી શક્યતાઓને જોતા, ભારત સરકારે પોતાના નાગરિકોને ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા ‘તરત જ ઈરાન છોડી દેવા’ સલાહ આપી છે.
India to Citizens in Iran: દૂતાવાસની મહત્વની સૂચનાઓ

તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે 5 જાન્યુઆરી અને 14 જાન્યુઆરી 2026ની એડવાઇઝરીને ટાંકીને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે:
- તાત્કાલિક વાપસી: વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને વેપારીઓને સલાહ છે કે તેઓ વિલંબ કર્યા વગર ભારત પરત ફરે.
- સંપર્કમાં રહો: તમામ ભારતીયો અને PIO (ભારતીય મૂળના લોકો) ને વિરોધ પ્રદર્શનવાળા વિસ્તારોથી દૂર રહેવા અને સ્થાનિક મીડિયા પર નજર રાખવા જણાવાયું છે.
- દસ્તાવેજોની સુરક્ષા: પાસપોર્ટ અને ID કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો હંમેશા સાથે રાખવા.
- રજિસ્ટ્રેશન: જેઓએ હજુ સુધી દૂતાવાસમાં નોંધણી કરાવી નથી, તેઓ meaers.com પર તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવે. જો ઇન્ટરનેટમાં સમસ્યા હોય, તો ભારતમાં રહેતા સગા-સંબંધીઓ પણ આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર્સ: +989128109115, +989128109109, +989128109102, +989932179359
India to Citizens in Iran: ઈરાનમાં 10,000 ભારતીયોના જીવ જોખમમાં
સરકારી આંકડા મુજબ, ઈરાનમાં હાલ 9,000 થી 10,000 જેટલા ભારતીયો વસે છે. જેમાં મોટી સંખ્યામાં મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ, તીર્થયાત્રીઓ અને બંદર પર કામ કરતા શ્રમિકોનો સમાવેશ થાય છે. યુદ્ધની સ્થિતિમાં આ તમામની સુરક્ષિત વાપસી ભારત સરકાર માટે મોટો પડકાર બની શકે છે.
India to Citizens in Iran: ભારત આવવા માટેના વિકલ્પો
- હવાઈ માર્ગ: તેહરાનથી દિલ્હી અને મુંબઈ માટે સીધી ફ્લાઇટ્સ (મુખ્યત્વે મહાન એર) કાર્યરત છે. આ ઉપરાંત દુબઈ, મસ્કટ કે દોહા થઈને પણ ભારત આવી શકાય છે.
- દરિયાઈ માર્ગ: જો હવાઈ ક્ષેત્ર બંધ થાય, તો ચાબહાર અથવા બંદર અબ્બાસ પોર્ટ પરથી વ્યાવસાયિક જહાજો કે ભારતીય નૌકાદળના બચાવ જહાજોનો વિકલ્પ ખુલ્લો રહેશે.
અમેરિકાની યુદ્ધની તૈયારી: 22 વર્ષમાં સૌથી મોટી તૈનાતી
અહેવાલો અનુસાર, અમેરિકાએ ઈરાક યુદ્ધ (2003) પછી મધ્ય પૂર્વમાં સૌથી મોટું એરફોર્સ ઓપરેશન ગોઠવ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશની રાહ જોવાઈ રહી છે. અમેરિકાએ આ પ્રદેશમાં F-35, F-22, F-15 અને F-16 જેવા અત્યાધુનિક ફાઇટર જેટ્સ તૈનાત કર્યા છે. નિષ્ણાતોના મતે, જો લશ્કરી કાર્યવાહી શરૂ થશે, તો આ યુદ્ધ ઘણા મહિનાઓ સુધી ચાલી શકે છે.
આ પણ વાંચો :દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીથી ફફડાટ: વિધાનસભા અને લાલ કિલ્લાને ઉડાવી દેવાનો ખાલિસ્તાની ગ્રુપનો ઈ-મેલ




