Kirti Patel Arrested: વિવાદિત યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થયો છે. જૂનાગઢ પોલીસે ઓપરેશન પાર પાડીને કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં જ જૂનાગઢમાં કીર્તિ પટેલ વિરુદ્ધ એક-બે નહીં પણ ત્રણ ગંભીર ફરિયાદો નોંધાઈ છે.
Kirti Patel Arrested: કેમ થઈ કીર્તિ પટેલની ધરપકડ?
કીર્તિ પટેલ વિરુદ્ધ નોંધાયેલી ત્રણ ફરિયાદોએ તેની ધરપકડનો માર્ગ મોકળો કર્યો હતો:
- પોલીસ સાથે ઘર્ષણ (16 ફેબ્રુઆરી): મહાશિવરાત્રિના મેળા દરમિયાન મહિલા PI કે.જે. મોઢ સાથે ગેરવર્તન કરવા, ધમકી આપવા અને ફરજમાં રૂકાવટ લાવવા બદલ પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી.
- ધાર્મિક લાગણી દુભાવવી (18 ફેબ્રુઆરી): સાધુના વેશમાં મૃગીકુંડમાં સ્નાન કરીને સનાતન ધર્મની સદીઓ જૂની પરંપરાનો ભંગ કરવા બદલ મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુએ ફરિયાદ નોંધાવી હતી.
- ખંડણી અને આત્મહત્યાની કોશિશ (21 ફેબ્રુઆરી): જૂનાગઢના યુટ્યુબર અબજલ સીડા (જિદ્દી બોય) પાસે 20 લાખની ખંડણી માંગવા અને તેને ફિનાઈલ પીવા મજબૂર કરવા બદલ કીર્તિ સહિત 5 લોકો સામે ગુનો નોંધાયો હતો.
Kirti Patel Arrested: ‘જિદ્દી બોય’ અને કીર્તિ વચ્ચેનો વિવાદ

આ સમગ્ર વિવાદ ત્યારે વકર્યો જ્યારે અબજલ સીડાએ કીર્તિ પટેલના વિવાદિત સ્નાનનો વિરોધ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો. કીર્તિનો આરોપ હતો કે અબજલના વીડિયોને કારણે તેના ફોલોઅર્સ અને વ્યૂઅર્સ ઘટી ગયા છે. આ નુકસાનના બદલામાં કીર્તિ અને તેની ટોળકીએ અબજલ પાસે 20 લાખ રૂપિયાની ખંડણી માંગી અને તેને ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી, જેનાથી કંટાળી અબજલે ફિનાઈલ પી લીધું હતું.
Kirti Patel Arrested: દિવ્યા સાવલાણીએ પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

આ કેસમાં સહ-આરોપી અને જૂનાગઢની રહેવાસી દિવ્યા સાવલાણીએ પણ નાટકીય ઢબે ઇન્સ્ટાગ્રામ લાઈવ પર ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેણે આક્ષેપ કર્યો હતો કે પોલીસ તેને ખોટી રીતે હેરાન કરી રહી છે.
હવે શું?
જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલને રાજસ્થાનથી લઈને ગુજરાત આવવા રવાના થઈ ગઈ છે. પોલીસ કીર્તિના સાગરીતો અને આ ટોળકી દ્વારા અન્ય કોઈને પણ આ રીતે બ્લેકમેલ કરવામાં આવ્યા છે કે કેમ તે અંગે સઘન પૂછપરછ કરશે.
આ પણ વાંચો :કીર્તિ પટેલના ત્રાસથી યુટ્યુબરે ફિનાઈલ ગટગટાવ્યું, 20 લાખની ખંડણીનો આક્ષેપ




