Gujarat CM :રાજકોટ મહાપાલિકાના વહીવટ અને વિકાસકાર્યોની ધીમી ગતિને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓના પદાધિકારીઓ અને કમિશનરોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી. આ બેઠકમાં રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર તથા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વહીવટી તંત્ર સામે લાલ આંખ કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે પ્રજાલક્ષી વિકાસકાર્યોમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. ખાસ કરીને રોડ, ડ્રેનેજ અને પાયાની સુવિધાઓ માટે સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવે છે, ત્યારે પ્રજાને હેરાન થવું પડે તે વહીવટી નિષ્ફળતા ગણાશે.
Gujarat CM :બજેટ પૂર્વે વિકાસકાર્યોની કડક સમીક્ષા

મુખ્યમંત્રીએ આગામી વર્ષ 2025-26ના બજેટ, ચાલી રહેલા પ્રોજેક્ટ્સ અને પાઈપલાઈન યોજનાઓની વિગતવાર સમીક્ષા કરી હતી. જે કામો શરૂ થઈ ગયા છે તે સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને અટકેલા પ્રોજેક્ટ્સમાંથી વહીવટી અવરોધો દૂર કરવા સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પડતર પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા આદેશ આપ્યો હતો.
Gujarat CM :ડેપ્યુટી CMનો વેધક સવાલ
બેઠક પહેલાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટના પદાધિકારીઓ સાથે અલગ બેઠક કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે શહેરના ખરાબ રોડ-રસ્તાઓ મુદ્દે કડક ટકોર કરતાં વેધક સવાલ કર્યો હતો—
“ખરાબ રોડને કારણે જો તમારા પોતાના સગા-વહાલાનું મૃત્યુ થાય તો કેવું લાગે?”
તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે પ્રજા પણ આપણો પરિવાર છે અને તેમની મુશ્કેલીઓ તાત્કાલિક દૂર થવી જોઈએ.
બેઠક બાદ રાજકોટમાં હલચલ

ગાંધીનગર બેઠક બાદ રાજકોટના રાજકારણ અને વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાઈ ગયો છે. રાજ્યના ટોચના નેતૃત્વ દ્વારા સીધું મોનિટરિંગ શરૂ થતા હવે મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે.
કમિશ્નરનું એક્શન મોડ
ગાંધીનગરથી પરત ફરતા જ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સેન્ટ્રલ ઝોન કચેરીએ ડેપ્યુટી કમિશનર, શાખાધિકારીઓ અને ત્રણેય ઝોનના વોર્ડ ઓફિસર્સ સાથે વિસ્તૃત રિવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં પેન્ડિંગ ફાઈલો, આવનાર વર્ષના વિકાસકાર્યો, બજેટ આયોજન અને સ્વચ્છતા સર્વેક્ષણ 2026ની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.
કમિશ્નરે તમામ વિભાગોને એક અઠવાડિયામાં પેન્ડિંગ ફાઈલોનો ફરજિયાત નિકાલ કરવા કડક આદેશ આપ્યો છે. સાથે જ 48 કલાકમાં એક્શન પ્લાન રજૂ કરવા અને ફાઈલ ટ્રેકિંગ સિસ્ટમ લાગુ કરવાની સૂચના આપવામાં આવી છે.
સ્વચ્છતા સર્વેક્ષણ પર ખાસ ફોકસ
રાજકોટને સ્વચ્છતા સર્વેક્ષણ 2026માં ટોપ રેન્કિંગ સુધી પહોંચાડવા અધિકારીઓને દૈનિક બે કલાક ફરજિયાત ફિલ્ડ વિઝિટ કરી GPS લોકેશન સાથે રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન અને ‘વિઝીબલ ક્લીનલિનેસ’ વધારવા વોર્ડ ઓફિસર્સને નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે.
રાજ્ય સરકારની આ કડક કાર્યવાહી બાદ હવે સ્થાનિક તંત્ર માટે ‘દોડતું થવું’ અનિવાર્ય બની ગયું છે. પ્રજાના ટેક્સના નાણાંનો સદુપયોગ થાય અને શહેરની પાયાની સમસ્યાઓ ઝડપથી ઉકેલાય તે દિશામાં હવે ઠોસ પગલાં લેવાય તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.




