Ahmedabad News: બોમ્બની ધમકી બાદ કુવૈત–દિલ્હી ઇન્ડિગો ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

0
146
Ahmedabad News
Ahmedabad News

Ahmedabad News: કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. સુરક્ષાના કારણોસર વિમાનને તાત્કાલિક અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરી ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, ફ્લાઇટ આકાશમાં હતી ત્યારે ક્રૂ મેમ્બર ને એક ટિશ્યુ પેપર પર લખાયેલી હાઈજેક અને બોમ્બથી વિમાન ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકી મળતાની સાથે જ પાયલટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો હતો અને નક્કી કરાયેલા સુરક્ષા પ્રોટોકોલ મુજબ વિમાનને સૌથી નજીકના એરપોર્ટ અમદાવાદ તરફ વાળવામાં આવ્યું હતું.

Ahmedabad News

Ahmedabad News: આ ફ્લાઇટમાં કુલ 186 લોકો સવાર હતા

આ ફ્લાઇટમાં કુલ 186 લોકો સવાર હતા, જેમાં 180 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. વિમાનનું લેન્ડિંગ થયા બાદ તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢી તેમના લગેજ સહિત સઘન સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી.

એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.ડી. નકુમના જણાવ્યા અનુસાર, ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ રીતે સતર્ક બની ગઈ હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) દ્વારા વિમાનનું સંપૂર્ણ અને વિગતવાર ચેકિંગ કરવામાં આવ્યું હતું, જોકે તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી નથી.

હાલમાં વિમાનની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને પ્રોટોકોલ મુજબ આગળની તપાસ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. આ ઘટનાને પગલે થોડા સમય માટે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ સમયસર કાર્યવાહીથી કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી અને તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

આ પણ વાંચો :Rajkot news: 8 ફૂટની ઊંચાઈથી કાર પુલ નીચે ખાબકી, આગમાં ફેરવાઈ; મહિલા સહિત 3 શિક્ષકોના જીવતા ભુંજાઈ મોત