Beating the Retreat Ceremony 2026:વિજય ચોક પર શાનદાર સૈનિક પરેડ અને સંગીતમય માહોલ

0
106
Ceremony

Beating the Retreat Ceremony 2026: દિલ્લીના વિજય ચોક પર 26 જાન્યુઆરીના ભવ્ય પ્રજાસત્તાક દિવસ સમારોહ બાદ આજે ગુરુવારે (29 જાન્યુઆરી) પરંપરાગત બીટિંગ ધ રિટ્રીટ સેરેમની યોજાઈ. આ સમારોહ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સત્તાવાર સમાપનનું પ્રતીક માનવામાં આવે છે. 26 જાન્યુઆરીથી શરૂ થયેલા રાષ્ટ્રીય કાર્યક્રમોની શ્રેણીનું આજે ગૌરવપૂર્ણ સમાપન થયું.

આ સેરેમનીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ત્રણેય સેનાઓના પ્રમુખો, કેન્દ્રીય મંત્રીઓ તથા મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. વિજય ચોક પર આવેલી તમામ ઐતિહાસિક ઈમારતોને રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવી હતી.

Beating the Retreat Ceremony 2026: સેનાએ રાષ્ટ્રપતિને આપી રાષ્ટ્રીય સલામી

સમારોહની શરૂઆત સેનાએ રાષ્ટ્રપતિને ભવ્ય રાષ્ટ્રીય સલામી આપી કરી હતી. ત્યારબાદ તિરંગો ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગીતની ધૂન વાગી. ભૂમિસેના, વાયુસેના અને નૌકાસેનાના બેન્ડ દ્વારા ‘કદમ-કદમ બઢાયે જા’ની પ્રેરણાદાયક ધૂન વગાડાતા સમગ્ર વિજય ચોક દેશભક્તિના રંગે રંગાઈ ગયો.

Beating the Retreat Ceremony 2026: 16મી સદીથી શરૂ થયેલી પરંપરા

બીટિંગ ધ રિટ્રીટની પરંપરા 16મી સદીમાં શરૂ થઈ હોવાનું મનાય છે. અંગ્રેજ શાસન દરમિયાન સૂર્યાસ્ત સમયે સૈનિકોને કિલ્લાની બહારથી અંદર પરત આવવાની સૂચના આપવા માટે ઢોલ અને બૅન્ડ વગાડવામાં આવતા, જેને ‘બીટિંગ ધ રિટ્રીટ’ કહેવામાં આવતું. ભારતમાં આ પરંપરા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સત્તાવાર સમાપન સાથે જોડાઈ ગઈ છે.

ત્રણેય સેનાઓના બેન્ડની ગૌરવપૂર્ણ રજૂઆત

આ સમારોહ દરમિયાન ભૂમિસેના, વાયુસેના અને નૌકાસેનાના સત્તાવાર બેન્ડ દ્વારા વિવિધ દેશભક્તિ અને સૈનિક ધૂનોની રજૂઆત કરવામાં આવી. સંગીત, માર્ચ પાસ્ટ અને લાઇટિંગના અનોખા સંયોજનથી સમગ્ર કાર્યક્રમ અત્યંત રોમાંચક અને ગૌરવપૂર્ણ બન્યો હતો.

Beating the Retreat Ceremony 2026

બે વખત રદ થયો હતો કાર્યક્રમ

ભારત પ્રજાસત્તાક બન્યા બાદ બે વખત બીટિંગ ધ રિટ્રીટ સેરેમની રદ કરવામાં આવી હતી. 2001માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપના કારણે અને 2009માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આર. વેંકટ રામનના અવસાનના કારણે આ કાર્યક્રમ યોજાયો નહોતો.
2015માં પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ બગીમાં બેસીને પરંપરાગત રીતે સૈનિક ટુકડીઓને બેરકમાં પરત મોકલી આ અંગ્રેજી પરંપરાને ફરી જીવંત કરી હતી.

બીટિંગ ધ રિટ્રીટ સેરેમની માત્ર એક સમારોહ નહીં પરંતુ દેશની સૈન્ય પરંપરા, શિસ્ત અને ગૌરવનું જીવંત પ્રદર્શન છે, જેને નિહાળવું દરેક નાગરિક માટે ગૌરવની ક્ષણ બની રહે છે.

આ પણ વાંચો :Nirmala Sitharaman:બજેટ પહેલાં દેશનું ‘રિપોર્ટ કાર્ડ’ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે ઈકોનોમિક સર્વે