Padma Awards : પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર કરાયેલા પદ્મ પુરસ્કારોની યાદીમાં ગુજરાતના બે નામો સામેલ થતાં રાજ્યમાં ગૌરવની લાગણી ફેલાઈ છે. કલા અને સામાજિક કાર્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ મીર હાજીભાઈ કાસમભાઈ , સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને પદ્મશ્રી અને વડોદરાના ધાર્મિકલાલ પંડ્યા માણભટ્ટ પરંપરા આર્ટ માટે પદ્મ શ્રી થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
Padma Awards : મીર હાજીભાઈ કાસમભાઈને પદ્મશ્રી

કળા ક્ષેત્રે નોંધપાત્ર સેવા બદલ મીર હાજીભાઈ કાસમભાઈને પદ્મશ્રી આપવામાં આવશે. લોકો તેમને પ્રેમથી ‘હાજી રમકડું’ના નામથી ઓળખે છે. ભજન, સંતવાણી, ગઝલ અને કવ્વાલીમાં પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે તેઓ પ્રસિદ્ધ છે. તેમણે અત્યાર સુધીમાં 3 હજારથી વધુ કાર્યક્રમોમાં ઢોલક વગાડીને કલા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું છે. આ ઉપરાંત તેમણે 1 હજારથી વધુ સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે.
Padma Awards : સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને પદ્મશ્રી

આ તરફ, સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક કાર્ય ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેઓ ગુજરાતમાં અંગદાન આંદોલનના પ્રણેતા તરીકે ઓળખાય છે અને ‘ડોનેટ લાઈફ’ સંસ્થાના સ્થાપક છે. વર્ષ 1997માં તેમના પિતાને કિડની ફેલ્યર થતા અને વર્ષો સુધી ડાયાલિસિસની પીડા જોઈ, નિલેશભાઈએ વર્ષ 2006માં સુરતથી કિડની દાનના અભિયાનની શરૂઆત કરી હતી. સમય જતાં આ સેવા લિવર, હૃદય, ફેફસા, સ્વાદુપિંડ, હાડકા, નાનું આતરડું, હાથ અને ગર્ભાશયના દાન સુધી વિસ્તરી. ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી અત્યાર સુધીમાં 1300થી વધુ અંગો અને ટિસ્યુઓનું દાન શક્ય બન્યું છે.
Padma Awards : વડોદરાના ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને પદ્મશ્રી

ધાર્મિકલાલ પંડ્યા એ એક આખ્યાનકાર અથવા માણભટ્ટ છે. તેમનો જન્મ 1932માં વડોદરામાં થયો હતો. તેમણે 18 વર્ષની ઉંમરે માણભટ્ટ તરીકેની લુપ્ત થતી કલા અપનાવી હતી. આ કલા તેમને તેમના પિતા ચુનીલાલ પંડ્યા પાસેથી મળી હતી.

ઉલ્લેખનીય છે કે પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાં આવે છે. પદ્મ વિભૂષણ અસાધારણ અને વિશેષ સેવા માટે, પદ્મ ભૂષણ ઉચ્ચ કક્ષાની વિશેષ સેવા માટે અને પદ્મ શ્રી વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન માટે આપવામાં આવે છે. કલા, સામાજિક કાર્ય, વિજ્ઞાન, શિક્ષણ, ચિકિત્સા, રમત, સાહિત્ય અને સિવિલ સેવા સહિત અનેક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારાઓને આ સન્માનથી નવાજવામાં આવે છે.
ગુજરાતના આ બે મહાનુભાવોને મળેલા પદ્મશ્રી પુરસ્કારથી રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજળું બન્યું છે.
વધારે સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




