Bagdana Case: ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં હવે તપાસ નવી દિશામાં આગળ વધી છે. આ ગંભીર મામલે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. SIT દ્વારા જયરાજને આજે, 21 જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યા સુધી ભાવનગર રેન્જ IG કચેરી ખાતે હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે.
Bagdana Case: SIT દ્વારા સઘન પૂછપરછ શરૂ

મળતી માહિતી મુજબ, SIT આ કેસના દરેક પાસાને ઊંડાણપૂર્વક તપાસી રહી છે. સોમવારે, 19 જાન્યુઆરીના રોજ ફરિયાદી નવનીત બાલધિયાની સતત ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન નવનીત બાલધિયાએ SIT સમક્ષ જયરાજ આહીર વિરુદ્ધ 15 જેટલા મહત્વપૂર્ણ પુરાવા સોંપ્યા હોવાનો દાવો કર્યો છે, જેને આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત, પ્રાથમિક તબક્કામાં તપાસ કરનારા બગદાણા પોલીસ મથકના તત્કાલીન મહિલા PI ડી.વી. ડાંગર સહિત અન્ય એક PI ને પણ SIT દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. SIT હવે શરૂઆતની તપાસમાં કોઈ બેદરકારી રહી છે કે કેમ તેની પણ ચકાસણી કરી રહી છે.
Bagdana Case: મુંબઈના લોક ડાયરાથી શરૂ થયો વિવાદ
આ સમગ્ર વિવાદની શરૂઆત મુંબઈમાં આયોજિત લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના એક લોક ડાયરાથી થઈ હતી. કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ યોગેશ સાગરને બગદાણા આશ્રમના ‘મેનેજિંગ ટ્રસ્ટી’ તરીકે સંબોધ્યા હતા. આ નિવેદન સામે નવનીત બાલધિયાએ ફોન દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આશ્રમમાં આવું કોઈ પદ અસ્તિત્વમાં નથી.
પછી માયાભાઈએ જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી હતી. જોકે, નવનીત બાલધિયાના જણાવ્યા અનુસાર, આ માફી માયાભાઈના પુત્ર જયરાજ આહીરને ન ગમતાં તેણે આ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.
Bagdana Case: હુમલા બાદ સમાજમાં ભારે આક્રોશ
29 ડિસેમ્બર 2025ની રાત્રે નવનીત બાલધિયા પર આઠ જેટલા શખસોએ પાઈપ અને ધોકા જેવા હથિયારો વડે હિંસક હુમલો કર્યો હતો. આ ઘટનાના પગલે ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ન્યાયની માંગ સાથે અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન થયા હતા અને કેટલાક સ્થળોએ આત્મવિલોપનના પ્રયાસો પણ નોંધાયા હતા.
કેસની ગંભીરતા અને સામાજિક તણાવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના આદેશથી IPS અધિકારીના નેતૃત્વમાં SITની રચના કરવામાં આવી છે. હવે જયરાજ આહીરની પૂછપરછ બાદ કેસમાં મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :Khodaldham Organisation:અનાર પટેલ ખોડલધામ સંગઠનનાં અધ્યક્ષ બન્યાં, નરેશ પટેલે મંચ પરથી કરી ઐતિહાસિક જાહેરાત




