Bhavnagar District Co-op Bank Scam:બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર ગામે આવેલી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ખેડૂતોના પરસેવાની કમાણી સાથે ખિલવાડ થતો એક મોટો નાણાકીય કૌભાંડ બહાર આવ્યો છે. બેંકના કેશિયર દ્વારા આશરે 100થી વધુ ખેડૂતોના ખાતામાંથી અંદાજે ₹3થી 5 કરોડની ઉચાપત કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ મામલે ભોગ બન્યાેલા ખેડૂતોએ ઢસા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

Bhavnagar District Co-op Bank Scam:કેશિયર ચાર મહિનાથી પાસબુક એન્ટ્રી ટાળતો હતો

મળતી માહિતી અનુસાર, જલાલપુર શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવતો આનંદ નામનો કર્મચારી છેલ્લા ચાર મહિનાથી ખાતેદારોની પાસબુકમાં એન્ટ્રી પાડવાનું ટાળતો હતો. કોઈ ખેડૂત એન્ટ્રી કરાવવા આવે તો ક્યારેક “સિસ્ટમ બંધ છે” તો ક્યારેક “પછી આવજો” કહીને વારો કાઢતો હતો.
ગત 12 તારીખથી કેશિયર અચાનક બેંકમાં આવતો બંધ થઈ ગયો, જેના કારણે ખેડૂતોને શંકા જતાં ખાતાની તપાસ કરાવાઈ હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી કે અનેક ખેડૂતોના ખાતામાંથી ₹5 લાખથી ₹15 લાખ સુધીની રકમો ગાયબ થઈ ચૂકી હતી.
Bhavnagar District Co-op Bank Scam:ચેક કે સહી વગર લાખો રૂપિયા ઉપાડી લેવાયા
ખેડૂતોનું કહેવું છે કે તેમણે કોઈ ચેક આપ્યા નથી, ન ઉપાડની સ્લિપ પર સહી કરી છે, છતાં ખાતામાંથી રકમ બારોબાર ઉપાડી લેવામાં આવી છે. આથી સ્પષ્ટ થાય છે કે બેંકની અંદરની વ્યવસ્થામાં ગંભીર બેદરકારી કે સાંઠગાંઠ થઈ હોવાની શક્યતા નકારી શકાતી નથી.
Bhavnagar District Co-op Bank Scam:સુરેશ ગોધાણી ખેડૂતોને મળ્યા, આપ્યું આશ્વાસન

આ ગંભીર ઘટનાની જાણ થતા જ બોટાદ જિલ્લા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ ગોધાણી તાત્કાલિક જલાલપુર ગામે પહોંચ્યા હતા. તેમણે અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક કરીને સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી મેળવી હતી.
ખેડૂતોને સાંત્વના આપતા ગોધાણીએ જણાવ્યું હતું કે,
“આ કેશિયરે વિશ્વાસઘાત કરીને મોટું ફ્રોડ કર્યું છે. બેંક દ્વારા સીસીટીવી ફૂટેજ અને જરૂરી દસ્તાવેજો કબ્જે લેવામાં આવ્યા છે. મેં બેંકના ચેરમેન સાથે પણ વાત કરી છે અને તેમણે ખાતરી આપી છે કે કોઈપણ ખેડૂતને એક પણ રૂપિયાનું નુકસાન નહીં થાય. તમામના નાણાં પરત મળશે.”
ભોગ બનનાર ખેડૂતોની વ્યથા
લાભુ કાવેઠિયા (વીકળીયા):
“મારા ખાતામાંથી ₹12 લાખ ઉપડી ગયા છે અને હવે માત્ર ₹24 હજાર જ બાકી રહ્યા છે. ત્રણ વર્ષનો પરસેવો મેં બેંકમાં મૂકી દીધો હતો.”
નિકુલ સિંઘવ (જલાલપુર માંડવા):
“અમે કોઈ સહી કરી નથી છતાં મારા ખાતામાંથી ₹9 લાખ ગાયબ છે. કેશિયર 12 તારીખથી ગાયબ છે અને બેંક મેનેજર તપાસનું બહાનું કાઢી રહ્યા છે.”
વિનુ કાછડિયા (જલાલપુર):
“29 તારીખે દીકરા-દીકરીના લગ્ન છે. ₹12.50 લાખ ઉપડી ગયા. લગ્ન સમયે જ આવી આફત આવી છે, હવે શું કરવું તે સમજાતું નથી.”
બેંક મેનેજર અને પોલીસની કાર્યવાહી
બેંકના મેનેજર વિજયસિંહ પરમારએ જણાવ્યું કે, હેડ ઓફિસની ટીમ દ્વારા આંતરિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં પ્રાથમિક રીતે 10થી 15 ખાતેદારોના નામ સામે આવ્યા છે, પરંતુ કુલ કેટલા ખેડૂતો અસરગ્રસ્ત છે અને કેટલી રકમની ઉચાપત થઈ છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ તરફ ઢસા પોલીસે પણ જલાલપુર બેંક ખાતે જઈ તપાસ શરૂ કરી છે અને આરોપી કેશિયરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.




