Vande Bharat Sleeper:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં યોજાયેલી ભવ્ય જનસભામાં દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ ઐતિહાસિક પ્રસંગે તેમણે પશ્ચિમ બંગાળ માટે હજારો કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ કર્યું. જનસભાને સંબોધતા PM મોદીએ કહ્યું કે, “દેશના અન્ય રાજ્યોની જેમ પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ સુશાસન લાવીને રહેશે.”
Vande Bharat Sleeper:લાંબા અંતરની મુસાફરીમાં ક્રાંતિકારી બદલાવ

વંદે ભારત સ્લીપર ટ્રેન ભારતીય રેલવે માટે એક નવી ક્રાંતિ સમાન માનવામાં આવી રહી છે. અત્યાર સુધી વંદે ભારત ટ્રેનો માત્ર ચેરકાર સુવિધા સાથે ચાલતી હતી, જ્યારે આ પહેલીવાર છે કે સ્લીપર કોચ સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન ખાસ કરીને રાત્રિના લાંબા અંતરની મુસાફરી માટે અત્યંત અનુકૂળ સાબિત થશે.
Vande Bharat Sleeper:હાવડા–ગુવાહાટી મુસાફરી થશે વધુ ઝડપી
નવી વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થતાં હાવડા અને ગુવાહાટી વચ્ચેનો મુસાફરી સમય નોંધપાત્ર રીતે ઘટશે. હાલ આ અંતર કાપવામાં આશરે 17 કલાક લાગે છે, જ્યારે આ ટ્રેન શરૂ થયા બાદ મુસાફરીનો સમય ઘટીને લગભગ 14 કલાક રહેશે. ટ્રેનની મહત્તમ ઝડપ 180 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હશે.
Vande Bharat Sleeper:આધુનિક સુવિધાઓથી સજ્જ 16 કોચ
આ સ્લીપર ટ્રેનમાં કુલ 16 આધુનિક કોચ છે, જેમાં લગભગ 1128 મુસાફરો એક સાથે મુસાફરી કરી શકશે. ટ્રેનમાં એરોડાયનેમિક ડિઝાઇન અને આધુનિક સસ્પેન્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે મુસાફરી દરમિયાન અવાજ અને ઝટકા ઘણાં ઓછા અનુભવાશે.

કોચનું વિતરણ અને આરામદાયક મુસાફરી
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કુલ
- 11 થર્ડ એસી (3AC) કોચ
- 4 સેકન્ડ એસી (2AC) કોચ
- 1 ફર્સ્ટ એસી (1AC) કોચ
હશે. આથી મુસાફરો રાત્રે આરામથી સૂઈને લાંબા અંતરની મુસાફરી કરી શકશે, જે અત્યાર સુધી વંદે ભારત ટ્રેનોમાં શક્ય નહોતું.
ટિકિટનો અંદાજિત ભાડું
રેલવે સૂત્રો અનુસાર, આ ટ્રેન માટેનું અંદાજિત ભાડું આ પ્રમાણે રહેશે:
- થર્ડ એસી (3AC): રૂ. 2300
- સેકન્ડ એસી (2AC): રૂ. 3000
- ફર્સ્ટ એસી (1AC): રૂ. 3600
બંગાળમાં વિકાસ અને સુશાસનનો સંકલ્પ
જનસભાને સંબોધતા PM મોદીએ કહ્યું કે, “રેલવેના આધુનિકીકરણ સાથે સાથે અમે પશ્ચિમ બંગાળના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. જેમ દેશના અનેક રાજ્યોમાં સુશાસન આવ્યું છે, તેમ બંગાળમાં પણ સુશાસન લાવીશું.” આ નિવેદનને લઈને રાજ્યના રાજકીય માહોલમાં પણ ગરમાવો જોવા મળ્યો છે.




