India to US: ટ્રમ્પની ટેરિફ ધમકીઓ પર ભારતનો કડક જવાબ, બાંગ્લાદેશ અને ચીનને પણ સીધી ચેતવણી

0
324
India to US
India to US

India to US: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયાથી તેલ ખરીદવા મુદ્દે ભારતને આપવામાં આવી રહેલી વારંવારની ટેરિફ ધમકીઓ પર ભારતે સ્પષ્ટ અને જડબાતોડ જવાબ આપ્યો છે. અમેરિકાની તરફથી 500 ટકા ટેરિફ લગાવવાની ધમકી સામે ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, ભારતની ઉર્જા નીતિ કોઈના દબાણ હેઠળ બદલાશે નહીં અને 140 કરોડ લોકોના હિત સાથે કોઈ સમજૂતી કરવામાં નહીં આવે.

India to US: રશિયન ઓઈલ મુદ્દે ભારતની સ્પષ્ટતા

India to US

અમેરિકામાં આગામી અઠવાડિયે રજૂ થનારા બિલમાં રશિયાથી તેલ ખરીદતા દેશો પર 500 ટકા ટેરિફ લગાવવાની જોગવાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, ભારત આ બિલ પર સતત નજર રાખી રહ્યું છે. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો અને વૈશ્વિક બજારમાંના ભાવના ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર નિર્ણય લે છે. ભારત કોઈ પણ દેશથી તેલ ખરીદવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

India to US: ટ્રેડ ડીલ મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે વાટાઘાટો ચાલુ

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે 13 ફેબ્રુઆરી 2025થી ટ્રેડ ડીલ અંગે ગંભીર વાટાઘાટો ચાલી રહી છે. ભારત આજે પણ એવી સંતુલિત ટ્રેડ ડીલ માટે તૈયાર છે, જેનાથી બંને દેશોને લાભ થાય. અમેરિકાની તરફથી આપવામાં આવતી કેટલીક માહિતી સ્પષ્ટ ન હોવાનું પણ ભારતે જણાવ્યું છે.

India to US: પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે 2025માં 8 વખત વાતચીત

વિદેશ મંત્રાલયે મહત્વપૂર્ણ ખુલાસો કરતાં જણાવ્યું છે કે, વર્ષ 2025 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કુલ 8 વખત ટેલિફોનિક વાતચીત થઈ છે. આ નિવેદન તે દાવાઓ બાદ આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રેડ ડીલ ન થવા પાછળ ભારત તરફથી સંવાદ ન થવો કારણભૂત છે.

બાંગ્લાદેશને લઘુમતી મુદ્દે કડક ટકોર

વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશ સરકારને લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાના મામલે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. ભારતે જણાવ્યું છે કે, બાંગ્લાદેશમાં લઘુમતીઓમાં ભય અને અસુરક્ષાની લાગણી વધી રહી છે અને સાંપ્રદાયિક હિંસા અટકાવવી તે ત્યાંની સરકારની જવાબદારી છે.

ચીનને શકસગામ ખીણ મુદ્દે સીધી ચેતવણી

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના શકસગામ ખીણ વિસ્તારમાં ચીન દ્વારા કરવામાં આવી રહેલા નિર્માણકાર્ય સામે ભારતે કડક વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતનો અભિન્ન ભાગ છે. પાકિસ્તાન અને ચીન વચ્ચે 1963માં થયેલો કરાર ગેરકાયદે છે અને ભારતે તેને ક્યારેય માન્યતા આપી નથી.

વૈશ્વિક મુદ્દાઓ પર ભારતની સતર્ક નજર

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, અમેરિકાએ રશિયાના એક જહાજને સીઝ કર્યું છે, જેમાં ભારતીય નાગરિકો હોવાના અહેવાલ પર ભારત સતત નજર રાખી રહ્યું છે. આ સાથે અમેરિકા, ઈરાન, ગ્રીનલેન્ડ અને સોમાલિયા અંગે પણ ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ભારતે સોમાલિયાના સાર્વભૌમત્વની રક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

ન્યૂયોર્કના મેયરને ભારતની ટકોર

ન્યૂયોર્કના નવા મેયર ઝોહરાન મમદાની દ્વારા ભારતની જેલમાં બંધ ઉમર ખાલીદને લખાયેલા પત્ર અંગે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, લોકશાહી દેશના ન્યાયતંત્રની સ્વતંત્રતાનું આદર કરવું જરૂરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, જાહેર પ્રતિનિધિઓએ આવા નિવેદનો આપવા બદલે પોતાની જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

આ પણ વાંચો :Panchmahal News:ગોધરામાં રાજપૂત સમાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી, બાઇક એકતા રેલી અને લોકડાયરાથી માહોલ બન્યો ઉત્સવી