Uttarakhand Fire : આર્મી કેમ્પમાં અચાનક ભીષણ આગ, 100થી વધુ જવાનો હાજર; ફાયર વિભાગની ટીમ દોડી આવી

0
151
Uttarakhand Fire
Uttarakhand Fire

Uttarakhand Fire : ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા જોશીમઠ–ઔલી રોડ પર સ્થિત ભારતીય સેનાના કેમ્પમાં આજે (2 જાન્યુઆરી) અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. કેમ્પની અંદર આવેલા એક સ્ટોર રૂમમાં લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટોર રૂમમાં રાખવામાં આવેલો સેનાનો માલસામાન આગની ઝપટમાં આવી બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગતી વખતે કેમ્પમાં 100થી વધુ સેનાના જવાનો હાજર હતા, જેના કારણે સુરક્ષાને લઈ તાત્કાલિક એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

Uttarakhand Fire

Uttarakhand Fire : ભારે પવનના કારણે આગ બની વિકરાળ

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, વિસ્તારમાં ફૂંકાતા તેજ પવનના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં આકાશમાં કાળા ધુમાડાના ગોટા અને ઊંચી જ્વાળાઓ દૂરથી પણ દેખાઈ રહી હતી.

Uttarakhand Fire : સેનાના જવાનો અને ફાયર ટીમે સંયુક્ત પ્રયાસો કર્યા

સેનાના જવાનો અને ફાયર વિભાગની ટીમે સંયુક્ત રીતે આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. લાંબા સમયની મહેનત બાદ આગને નિયંત્રણમાં લેવામાં સફળતા મળી છે.

કોઈ જાનહાનિ નહીં, પરંતુ મોટું નુકસાન

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, સેનાની મિલકતને મોટું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

તપાસના આદેશ

લશ્કરી અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આગ કેવી રીતે અને કયા કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે. સત્તાવાર અહેવાલ બાદ જ નુકસાનનો ચોક્કસ આંકડો સામે આવશે.

આ પણ વાંચો :S Jaishankar: આતંકવાદ કરશો તો જળ સંધિના લાભ નહીં મળે,“હું તમને પાણી આપું અને તમે આતંકવાદ ફેલાવો—એવું નહીં ચાલે”: વિદેશ મંત્રી જયશંકર