NewYearSecurity:31 ડિસેમ્બરને લઈ ગુજરાતની સરહદો સીલ, દાહોદ-બનાસકાંઠામાં SRPF તૈનાત

0
156
NewYearSecurity
NewYearSecurity

NewYearSecurity:નવા વર્ષની ઉજવણી અને ખાસ કરીને 31 ડિસેમ્બરના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગુજરાતના સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલા દાહોદ અને બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પર પોલીસ દ્વારા થ્રી-લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે, જેમાં SRPFના જવાનોને પણ જોડવામાં આવ્યા છે.

સરહદી વિસ્તારોમાં 24 કલાક સતત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લામાં 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને કુલ 24 આંતરરાજ્ય બોર્ડર પર પોલીસ પોઈન્ટ ઊભા કરાયા છે. સુરક્ષા વ્યવસ્થામાં મુખ્ય બોર્ડર ચેકપોસ્ટ, આંતરિક માર્ગો પર મોબાઈલ ચેકિંગ પોઈન્ટ અને હાઈવે તથા મુખ્ય માર્ગો પર સતત પેટ્રોલિંગનો સમાવેશ થાય છે.

NewYearSecurity

NewYearSecurity:અન્ડરબોડી મિરરથી વાહનોની બારીક તપાસ

મધ્યપ્રદેશ સરહદ પર આવેલી ખંગેલા ચેકપોસ્ટ આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું મુખ્ય કેન્દ્ર બની છે. અહીં કતવારા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા દિવસ-રાત વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. પોલીસ સ્ટોપ સ્ટિક, હેન્ડ ટોર્ચ સહિતના સાધનોની મદદથી વાહનોની બારીક તપાસ કરી રહી છે. ટ્રક અને મોટા વાહનોની નીચે તપાસ માટે અન્ડરબોડી મિરરનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ડિક્કી અને માલસામાન ચકાસવા માટે ખાસ ટૂલ કિટ ઉપલબ્ધ રાખવામાં આવી છે.

NewYearSecurity:બ્રેથ એનાલાઇઝરથી નશામાં ડ્રાઇવિંગની ચકાસણી

વાહન ચેકિંગ દરમિયાન ચાલકો દારૂ પીને વાહન ચલાવી રહ્યા છે કે નહીં તે ચકાસવા માટે બ્રેથ એનાલાઇઝર મશીનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી. બુક સહિતના દસ્તાવેજોની ઇ-ચલાન સિસ્ટમ મારફતે તાત્કાલિક ચકાસણી કરવામાં આવે છે. શંકાસ્પદ વાહનોને સાઈડમાં ઊભા રાખીને સંપૂર્ણ સર્ચ કરવામાં આવે છે અને જરૂરી જણાય ત્યાં કટર, સ્પેનર જેવા સાધનો વડે વાહનમાં બનાવાયેલા ગુપ્ત ખાનાઓની પણ તપાસ કરવામાં આવે છે.

NewYearSecurity

NewYearSecurity:ઉચ્ચ અધિકારીઓની બોર્ડર પર તૈનાતી

આ બાબતે દાહોદના DySP જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને ખંગેલા જેવી સંવેદનશીલ સરહદો પર PSI કક્ષાના અધિકારીઓ, સિનિયર પોલીસ અધિકારીઓ તેમજ SRPFની ટુકડીઓની તૈનાતી કરવામાં આવી છે. રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ ચાલી રહ્યું છે અને પ્રોહિબિશન સંબંધિત તમામ ગતિવિધિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે નશો કરીને ગુજરાતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા લોકો જેલભેગા થવા પડશે.

આ પણ વાંચો :Major Defence Push:રાષ્ટ્રીય સુરક્ષાને મોટો વેગ: ત્રણેય સેના માટે ₹79,000 કરોડના પ્રસ્તાવો મંજૂર