Ahmedabad Crime: અસલાલી પ્રેમસંબંધોમાં વિશ્વાસભંગ અને બદનામીની એક ચોંકાવનારી ઘટના અમદાવાદના અસલાલીમાંથી સામે આવી છે. એકતરફી પ્રેમ અને લગ્નની જીદમાં અંધ બનેલા એક પ્રેમીએ તમામ હદો વટાવી દીધી છે. પ્રેમીના પરિવારજનો લગ્ન માટે તૈયાર ન થતાં, આરોપી યુવકે યુવતીને બદનામ કરવા અને લગ્ન માટે દબાણ કરવાના ઈરાદે તેના વાંધાજનક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. આ મામલે પીડિત યુવતીએ ધોળકાના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.

Ahmedabad Crime: શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, 22 વર્ષીય પીડિત યુવતી છેલ્લા પાંચ વર્ષથી ધોળકાના રહેવાસી યોગેશ વાઘેલા સાથે પ્રેમ સંબંધમાં હતી. જોકે, યુવતીના પરિવારજનો આ સંબંધની વિરુદ્ધમાં હોવાથી યુવતીએ યોગેશથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપી યોગેશ તેને લગ્ન કરવા માટે સતત દબાણ કરી રહ્યો હતો.
જ્યારે યુવતીએ લગ્નની ના પાડી, ત્યારે આરોપી યોગેશે તેની આબરૂ ખરાબ કરવાની ધમકી આપી હતી. આ ધમકીને સાચી ઠેરવતા, આરોપીએ સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવીને તેના પર યુવતીના વાંધાજનક તસવીરો તેમજ વીડિયો અપલોડ કરી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

Ahmedabad Crime: કેવી રીતે શરૂ થયો પ્રેમ સંબંધ?
યુવતી અને આરોપી યોગેશની પ્રથમ મુલાકાત પાંચ વર્ષ પહેલા એક લગ્ન પ્રસંગમાં થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા અને પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી યુવતીને છૂપી રીતે મોબાઈલ ફોન મોકલાવી વાતચીત કરતો હતો. જો કે, પરિવારને જાણ થતા તેઓએ ફોન લઈ લીધો હતો, તેમ છતાં આરોપી ગમે તે રીતે યુવતી સાથે સંપર્ક ચાલુ રાખતો હતો. આ પછી વાતચીત દરમિયાન આરોપીએ યુવતીના વાંધાજનક વીડિયો કોલ રેકોર્ડ કરી લીધા હતા, જેનો ઉપયોગ તેણે યુવતીને બ્લેકમેલ કરવા માટે કર્યો હતો.
Ahmedabad Crime: પોલીસ કાર્યવાહી:
આરોપી યોગેશ વાઘેલા સામે પીડિત યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આવા કિસ્સાઓ સમાજમાં સાયબર ક્રાઈમ અને વ્યક્તિગત સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કરે છે.




