Amit Shah:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદની એક દિવસીય મુલાકાત દરમિયાન વિપક્ષ પર તીખા પ્રહારો કરતાં મોટી રાજકીય ભવિષ્યવાણી કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “લખી રાખજો, વર્ષ 2029માં પણ નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બનશે.” સાથે જ તેમણે લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર પણ કટાક્ષ કર્યો.
નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમમાં બોલતાં અમિત શાહે કહ્યું કે, જનતાને ગમે તેવા તમામ નિર્ણયોનો વિપક્ષ હંમેશા વિરોધ કરે છે. “રામ મંદિર બનાવીએ તો વિરોધ, કલમ 370 હટાવીએ તો વિરોધ, કોમન સિવિલ કોડ લાવીએ તો વિરોધ અને પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીએ તો પણ વિરોધ—જનતાને જે ગમે છે તેનો તમે વિરોધ કરો છો, તો પછી મત કોણ આપે?” એવો સવાલ તેમણે ઉઠાવ્યો.

Amit Shah:રાહુલ ગાંધી પર કટાક્ષ
અમિત શાહે રાહુલ ગાંધીને નિશાન બનાવતાં કહ્યું, “રાહુલ બાબા, હારથી થાકશો નહીં. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પણ હરાવીશું એ નક્કી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, જેને પોતાની પાર્ટીના લોકો પણ સમજાવી ન શકે તેને વિરોધ કરનાર ક્યાંથી સમજાવી શકે.
Amit Shah:2029માં પણ મોદી સરકાર
ગૃહમંત્રીએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ સંસદમાં પ્રશ્ન કર્યો હતો કે કોંગ્રેસ દર વખતે ચૂંટણી કેમ હારે છે. તેના જવાબમાં અમિત શાહે કહ્યું કે, “જનતા માંગે કે ન માંગે, પરંતુ સંવેદનશીલતાના આધાર પર જનહિતનાં કામ કરવાનું કાર્ય ભાજપ અને નરેન્દ્ર મોદીએ કર્યું છે. એ જ ભાજપના સિદ્ધાંતો છે, જેના કારણે 2029માં પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર બનશે.”
તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી લોકોની સમસ્યાઓ સમજવાને બદલે ‘સર’ સમજવામાં વ્યસ્ત છે, જે હકીકતમાં તેમનું કામ નથી.
Amit Shah:વિવિધ કાર્યક્રમોમાં હાજરી

અમદાવાદ મુલાકાત દરમિયાન અમિત શાહે વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાયેલા યુવા બિઝનેસ સંમેલનમાં હાજરી આપી હતી. આ ઉપરાંત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નવા વરાયેલા પદાધિકારીઓની શપથવિધિમાં પણ તેઓ પ્રોત્સાહક ઉપસ્થિતિ સાથે હાજર રહ્યા હતા.
આ પણ વાંચો :Devayat Khavad:લોક કલાકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન




