Gujarat STD 10 12 Board Exam : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા વિદ્યાર્થીઓને મોટી રાહત આપવામાં આવી છે. ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવા નિર્ણય મુજબ હવે વિદ્યાર્થીઓ 24 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

બોર્ડના જણાવ્યા અનુસાર, ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન જો કોઈ આવેદનપત્રમાં સુધારા બાકી હોય અથવા પ્રિન્સિપાલની મંજૂરી (Approval) અપાવવાની બાકી હોય, તો તે તમામ પ્રક્રિયા 26 ડિસેમ્બર 2025 સુધી પૂર્ણ કરવાની રહેશે. આ સાથે જ શાળાઓ દ્વારા બાકી રહેતી પરીક્ષા ફી 30 ડિસેમ્બર 2025 સુધી ભરવાની છૂટ આપવામાં આવી છે.

Gujarat STD 10 12 Board Exam : ગુજરાત શિક્ષણ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે
વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ના તમામ પ્રવાહો—વિજ્ઞાન, સામાન્ય, કોમર્સ અને અન્ય—માટેના પરીક્ષા ફોર્મ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gsebeservice.com પરથી ઓનલાઇન ભરી શકશે. સમયમર્યાદામાં ફોર્મ ન ભરનાર વિદ્યાર્થીઓ માટે પછી કોઈ વધારાની તક મળશે કે નહીં તે અંગે બોર્ડે કોઈ સ્પષ્ટતા કરી નથી.
ઉલ્લેખનીય છે કે અગાઉ ફોર્મ ભરવાની અંતિમ તારીખ નજીક આવતા અનેક શાળાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સમયવધારાની માંગ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને બોર્ડે બે દિવસનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડે તમામ વિદ્યાર્થીઓ અને શાળાઓને અપીલ કરી છે કે, છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરવાની અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરી કરી લે.



