SIR 2026: ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા; 73.73 લાખ નામ કપાયા

0
117
SIR
SIR

SIR 2026: અમદાવાદ: ગુજરાતમાં હાલ ચાલી રહેલી ખાસ સઘન મતદાર સુધારણા યાદી (SIR-2026)ની પ્રક્રિયા અંતર્ગત આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 100 ટકા મતદાર ગણતરીની કામગીરી પૂર્ણ થયા બાદ પ્રસિદ્ધ કરાયેલી આ મુસદ્દા યાદીમાં કુલ 4.34 કરોડ મતદારો નોંધાયેલા છે, જ્યારે 73.73 લાખ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

SIR 2026

ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ સામેલ ન હોય અથવા તેમાં કોઈ ભૂલ જણાય તો તે અંગે વાંધા-દાવા રજૂ કરવા માટે મતદારોને એક મહિનોનો સમય આપવામાં આવ્યો છે. મતદારો 18 જાન્યુઆરી, 2026 સુધીમાં પોતાના વાંધા રજૂ કરી શકશે. ત્યારબાદ 10 ફેબ્રુઆરી, 2026 સુધી ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની ચકાસણી કરીને તેનો નિકાલ કરવામાં આવશે.

સતત દોઢ માસ ચાલેલી SIR ઝુંબેશ બાદ પ્રસિદ્ધ કરાયેલી આ મુસદ્દા યાદી અંગે મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું કે, આ કામગીરી સફળ બનાવવા માટે રાજ્યભરમાં 33 જિલ્લા ચૂંટણી અધિકારીઓ, 182 મતદાર નોંધણી અધિકારીઓ, 855 સહાયક મતદાર નોંધણી અધિકારીઓ, 50,963 BLO, 54,443 BLA તેમજ 30,833 સ્વયંસેવકોની સક્રિય ભાગીદારી રહી છે.

SIR 2026: ફોર્મ ન મળે તો શું કરશો?

જો કોઈ મતદારનું નામ મુસદ્દા મતદાર યાદીમાં ન હોય તો તે ફોર્મ નં.6 ભરીને, જરૂરી આધાર પુરાવા અને ડેક્લેરેશન સાથે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકે છે. યાદીમાં દર્શાવેલી વિગતોમાં સુધારો કરવા માટે ફોર્મ નં.8 અને કોઈ મતદારના નામ સામે વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં.7 ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

5.08 કરોડમાંથી 4.34 કરોડ ફોર્મ પ્રાપ્ત

નિયત સમયમર્યાદામાં કુલ 5,08,43,436 નોંધાયેલા મતદારોમાંથી 4,34,70,109 મતદારો પાસેથી ગણતરી ફોર્મ મળ્યા છે. તમામ ફોર્મનું સંપૂર્ણ ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓને પણ આ કામગીરીમાં જોડવામાં આવ્યા હતા.

73.73 લાખ નામ કેમ કપાયા?

BLO દ્વારા કરાયેલા ડોર ટુ ડોર સર્વે દરમિયાન અવસાન પામેલા, કાયમી સ્થળાંતર કરેલા, બે જગ્યાએ નોંધાયેલા અથવા ફોર્મ પરત ન કરનાર મતદારો ઓળખવામાં આવ્યા હતા. મુસદ્દા યાદી જાહેર થયા બાદ કુલ મતદારોની સંખ્યા 5.08 કરોડમાંથી ઘટીને 4.34 કરોડ થઈ છે. એટલે કે, SIR ઝુંબેશ દરમિયાન કુલ 73,73,327 મતદારોના નામ યાદીમાંથી દૂર કરાયા છે.

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે વ્યાપક પ્રચાર અને સર્વે છતાં જે મતદારો મળ્યા નથી અથવા જેમણે સમયસર ફોર્મ જમા કરાવ્યા નથી, તેઓના નામ મુસદ્દા યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા નથી.

SIR 2026: વેબસાઇટ પર ચેક કરો નામ

SIR 2026

1 જાન્યુઆરી, 2026ની લાયકાત તારીખના આધારે તૈયાર કરાયેલી મુસદ્દા મતદાર યાદી રાજ્યના તમામ મતદાન કેન્દ્રો ઉપરાંત મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ ceo.gujarat.gov.in પર પણ ઉપલબ્ધ છે. મતદારો ત્યાં જઈને પોતાનું નામ અને વિગતો ચકાસી શકે છે.

ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને પણ અપીલ કરી છે કે તેઓ યાદીની બારીકાઈથી ચકાસણી કરીને 18 ફેબ્રુઆરી, 2026 સુધીમાં વાંધા-દાવા રજૂ કરવામાં મતદારોને સહાયરૂપ બને. આખરી મતદાર યાદી 17 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરવામાં આવશે.

કયા પ્રકારના મતદારોના નામ કપાયા?

ક્રમાંકપ્રકારસંખ્યા (લાખમાં)
1મૃત્યુ પામેલા મતદારો18.07
2ગેરહાજર મતદારો9.69
3કાયમી સ્થળાંતર કરેલા40.25
4બે જગ્યાએ નોંધાયેલા3.81
5અન્ય કારણો1.89
કુલકુલ કપાયેલા મતદારો73.73

આ પણ વાંચો :

Ahmedabad news :અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ પર વ્યાજ માફી: AMCને 500 કરોડની વધારાની આવકની આશા