કેરળ બ્લાસ્ટના તાર કેમ આતંકી ષડયંત્રના આપે છે સંકેત? ગુજરાતમાં એજન્સીઓ સહિત પોલીસ સતર્ક

0
189
કેરળ બ્લાસ્ટ
કેરળ બ્લાસ્ટ

કેરળ ના અર્નાકુલમ જિલ્લાના એક કન્વેન્શન સેન્ટરમાં બોમ્બ વિસ્ફોટથી ચકચાર મચી ગઈ છે. વિસ્ફોટમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ એવા સમયે થયો છે, જ્યારે કેરળ માં પેલેસ્ટાઈનના સમર્થનમાં અને ઈઝરાયલ સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. નવાઈની વાત એ પણ છે કે હુમલાખોરે સામે ચાલીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. કેરળમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતમા પોલીસ સતર્ક થઈ ગઈ છે. મહત્વની એજન્સીઓને સતર્ક રહેવા જાણ કરાઈ છે. એટીએસ ક્રાઈમબ્રાન્ચ સહિત જિલ્લાઓની મહત્વની એજન્સીઓને સતર્ક કરાઈ છે. આતંકી પ્રવૃતિને લઈને સતર્ક રહેવા સુચન અપાયું છે. આવતી કાલે પીએમ ગુજરાતમાં હોવાથી પોલીસ વધુ સતર્ક બની છે.

ખ્રિસ્તી સમુદાયનું કન્વેન્શન માતમમાં ફેરવાઈ ગયું
રવિવારે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ એક ઘટના બની છે, જ્યારે કેરળના અર્નાકુલમ જિલ્લાના કલામશેરીમાં ચાલતું ખ્રિસ્તી સમુદાયનું કન્વેન્શન માતમમાં ફેરવાઈ ગયું. લોકો આંખો બંધ કરીને પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે ભરચક હોલમાં ત્રણથી ચાર બ્લાસ્ટ થતાં નાસભાગ મચી ગઈ. એક વ્યક્તિનું મૃત્યુ થયું, જ્યારે 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. જેમાંથી કેટલાક ગંભીર છે. વિસ્ફોટને કારણે હોલમાં આગ પણ લાગી. હોલની બહાર ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની લાઈન લાગી હતી. કોઈને ખબર ન પડી કે આખરે થયું શું છે. 

રાજીવ ચંદ્રશેખરે વિસ્ફોટને આતંકવાદી કૃત્ય ગણાવ્યું
ગૃહમંત્રી અમિત શાહે આ મામલે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી હતી. ઘટનાની તપાસ માટે NIA અને NSGની ટીમ પણ રવાના કરાઈ છે. પોલીસનો દાવો છે કે વિસ્ફોટ કરનાર વ્યક્તિએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. ડોમિનિક માર્ટિન નામના વ્યક્તિએ વિસ્ફોટની જવાબદારી લીધી હતી. હજુ સુધી એ સામે નથી આવ્યું કે વિસ્ફોટનું કારણ શું છે. જો કે આ ઘટના એવા સમયે બની છે, જ્યારે કેરળમાં ઠેર ઠેર પેલેસ્ટાઈનના સમર્થનમાં અને ઈઝરાયલના વિરોધમાં પ્રદર્શનો ચાલી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે વિસ્ફોટને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે, આ ઉપરાંત તેમણે કેરળ સરકાર પર હમાસ તરફી જેહાદી તત્વોને સમર્થન આપવાનો આક્ષેપ કર્યો છે.

રાજ્યમાં ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
એક તરફ જ્યાં કેરળમાં બોમ્બ બ્લાસ્ટ જેવી મોટી દુર્ઘટના ઘટી, ત્યાં રાજ્યના મુખ્યમંત્રી પી વિજયન દિલ્લીમાં પેલેસ્ટાઈનનું સમર્થન કરવામાં વ્યસ્ત હતા. નિર્ણાયક સમયે તેઓ CPIM દ્વારા યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં હાજર રહ્યા. આટલું જ નહીં, કાર્યક્રમને સંબોધનમાં કેન્દ્ર સરકારના વલણની પણ ટીકા કરી. ભારત સરકારે ઈઝરાયલને આપેલું સમર્થન આપણી એકતાની જૂની નીતિનો ભંગ છે. પલેસ્ટાઈનના લોકો પોતાની જમીન માટે લડી રહ્યા છે. ભારત સરકારે યુએનમાં ઠરાવ પરની ચર્ચાથી દૂર રહીને ઈઝરાયલ અને અમેરિકાને ટેકો આપ્યો છે, જે આઘાતજનક છે. વિસ્ફોટ બાદ કેરળની પોલીસ એલર્ટ પર છે, સમગ્ર રાજ્યમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે હવે જોવું એ રહેશે કે આ વિસ્ફોટના તાર ક્યાં સુધી લંબાય છે.