જો તમારી હાજરીમાં ટીમોને ભાગવું પડે તો તમારા ખભે સ્ટાર શું કામ લગાવ્યા છે: ગુજરાત હાઈકોર્ટ

0
175
ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ

રખડતાં ઢોર પકડતી ટીમો પર જીવલેણ હુમલા બાદ હાઈકોર્ટે પોલીસ પ્રોટેક્શન સામે ઉઠાવ્યા ગંભીર સવાલ. ગુજરાત હાઈકોર્ટે કહ્યું- જો તમારી હાજરીમાં ટીમોને ભાગવું પડે તો તમારા ખભે સ્ટાર શું કામ લગાવ્યા છે.ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર અને ખરાબ રસ્તા મુદ્દે થતી કામગીરીથી લાલઘૂમ થઈ છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે રખડતા ઢોર મુદ્દે ફક્ત કાગળ પર કામગીરી થઈ રહી છે. એક અઠવાડિયામાં સ્થિતિ નહીં બદલાય તો જવાબદારો સામે ચાર્જફ્રેમ થશે. કોર્ટ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ઓર્ડર નક્કી છે, માત્ર સિગ્નેચર કરવાની બાકી છે. 

તમારા ખંભા પરના સ્ટાર છે તે તમારી જવાબદારી નક્કી કરે છે: HC
પોલીસ વિભાગ કેમ મહાનગરપાલિકાના અધિકારીઓને પ્રોટેક્શન આપતા નથી. તે મુદ્દે પણ હાઈકોર્ટે સવાલ કર્યા છે. રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે હાઈકોર્ટમમાં પ્રિન્સીપાલ સેક્રેટરી, મનપાના કમિશ્નર અને એડિશનલ CP હાજર રહ્યા હતા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર પર થયેલા હુમલાની પણ હાઈકોર્ટે નોંધ લેતા જણાવ્યું હતું કે પોલીસ શું કરી રહી છે, કડક હાથે કામ કરો, તમારા ખંભા પરના સ્ટાર છે તે તમારી જવાબદારી નક્કી કરે છે. કાયદાવિહીન શાસન નહીં ચાલે. પોલીસ અને સૈનિક એકસમાન છે.

રખડતા ઢોરનો ત્રાસ
મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટ રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે ગંભીર છે. ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઇને મૌન સેવી રહ્યું છે. હજુ રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઇનું આ રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે. ત્યારે જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. 

હાઈકોર્ટમાં આગામી સુનાવણી 7 નવેમ્બરે
ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે બિસ્માર રસ્તા, રખડતા ઢોર, ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા સામે લાલ આંખ કરી છે. જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે સ્થિતિ સુધારવા અમે એક સપ્તાહનો સમય આપીએ છીએ. સમગ્ર મામલે હાઈકોર્ટમાં આગામી સુનાવણી 7 નવેમ્બરે હાથ ધરાશે. ગુજરાત હાઇકોર્ટ