છેલ્લાં 24 કલાકમાં 11 ગુજરાતીઓના ધબકારા બંધ, ગરબા રમતા પાંચ લોકોના પ્રાણ ગયા

0
195
હાર્ટ એટેક
હાર્ટ એટેક

રાજ્યમાં 24 કલાકમાં 11 લોકોના હાર્ટ એટેક ના કારણે થયા મૃત્યુ…ગરબા રમતા પાંચ લોકોએ ગુમાવ્યા જીવ….રાજકોટમાં બિલ્ડર અને પોલીસકર્મી તેમજ પરપ્રાંતિય કામદારે ગુમાવ્યો તો દ્વારકાના 3 લોકોએ જીવ ગુમાવ્યો છે ગુજરાતમા હવે કોરોના કરતા વધુ ડર હાર્ટએટેકથી લાગી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટએટેકથી મોતનો રાફડો ફાટ્યો છે. ખાસ બાબત તો એ છે કે, યુવાઓને હાર્ટએટેક આવી રહ્યો છે. ત્યારે આવું કેમ થઈ રહ્યું છે તે જાણવામાં તબીબો લાગ્યા હતા. ત્યારે હવે આનું સાચુ કારણ મળી ગયું છે. નિષ્ણાતોના મતે આ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. હાલ ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં જ 11 લોકોના હાર્ટ અટેકના કારણે મૃત્યુ થયા છે. જેમાં ગરબા રમતા ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે, તો બે લોકોના ફરજ દરમિયાન મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ, અમદાવાદ, કપડવંજ, હાલાર, સુરતમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા બન્યા છે. 

સુરતમાં 15 દિવસમાં 10ને હાર્ટ એટેક
ગુજરાતમાં દિવસે ને દિવસે હાર્ટ-એટેકના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 8 લોકોનાં હૃદય બંધ પડી ગયાં છે. સુરતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આંકડો કહે છે કે, 15 દિવસમાં 10 હાર્ટ એટેક મોતના બનાવો છે. સુરત શહેરમાં સતત બીજા દિવસે બે યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત નિપજે છે. આ આંકડા ફક્ત સિવિલ હોસ્પિટલના છે. ખાનગી હોસ્પિટલના આંકડા ખૂબ જ ચોંકાવનારા હોઈ શકે છે. 

કપડવંજમાં ગરબા રમતા રમતા કિશોરનું મોત
ખેડાના કપડવંજમાં ગરબા રમતા 17 વર્ષીય કિશોરનું ગરબા રમતા હાર્ટએટેક આવ્યો હતો. હાર્ટ એટેક દરમિયાન 17 વર્ષીય કિશોરનું મૃત્યુ થયું છે. નવરાત્રિના છઠ્ઠા નોરતાએ કપડવંજમાં વીર શાહ નામનો કિશોર ગરબા રમી રહ્યો હતો, ત્યારે એકાએક તેના નાકમાંથી બ્લીડીંગ થયું હતું. જેના બાદ કિશોરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ હાજર ડૉક્ટરે કિશોરને મૃત જાહેર કર્યો હતો. શારીરીક રીતે સ્વસ્થ 17 વર્ષીય કિશોરને ગરબા રમતા હાર્ટએટેકથી મોત થતા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો છે.

ડભોઈમાં 13 વર્ષના બાળકને હાર્ટએટેક
ડભોઇમાં પણ હાર્ટ એટેકની ઘટના બની છે. 13 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત થયું છે. વૈભવ સોની નામના 13 વર્ષના બાળકને ઉલટી આવ્યા બાદ હાર્ટ બંધ થયુ હતું. વૈભવ ધોરણ 6માં અભ્યાસ કરતો હતો. તે બે દિવસ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમ્યો હતો. 

ધોરાજીમાં 28 વર્ષના યુવકને આવ્યો હાર્ટએટેક
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 28 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. ભાદર 2 ડેમના પાટિયામાં સમારકામ કરતાં 28 વર્ષીય મજૂરનું હાર્ટએટેકથી મોત થયું છે. યુવક ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની હોવાની માહિતી સામે આવી છે. હાર્ટએટેકથી આશુકુમાર દિનેશભાઈ સોનકાર નામના 28 વર્ષીય પરપ્રાંતિય મજુરનું મોત થયું છે. ડેમના પાટિયા સમારકામ કામ કરતી વખતે યુવક અચાનક ઢળી પડ્યો હતો. આ બનાવ બન્યા બાદ આ યુવકને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. તબીબ દ્વારા રાત્રે પીએમ કર્યા બાદ હાર્ટ એટેકથી યુવકનું મોત થયું હોવાનું જણાવ્યું છે. યુવાનોમાં સતત હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. 

રાજકોટમા બિલ્ડરને આવ્યો હાર્ટએટેક
રાજકોટ-હાર્ટ એકેટના કારણે ૪૪ વર્ષીય બિલ્ડરનું મોત નિપજ્યું છે. રૈયા રોડ પર આવેલા અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા જયેશ ઝાલાવડિયાને તેમના ઘરમાં જ હાર્ટએટેક આવ્યો હતો. સવારે ૭ વાગ્યે ઘરે બેભાન હાલતમાં પડી ગયા હતા અને બાદમાં હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા હતા.

અમદાવાદ પહેલો બનાવ 
અમદાવાદમાં શહેરમાં ગરબા દરમિયાન મોત નિપજ્યાનો પહેલો બનાવ સામે આવ્યો છે. ગરબા રમવા દરમિયાન હાર્ટ એટેક આવતા યુવાનનું મોત નિપજ્યું છે. વટવામાં રહેતો રવિ પંચાલ હાથીજણમાં વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયો હતો. ગુરુવારના રોજ ગરબા દરમિયાન 12 વાગ્યાની આસપાસ રવિ પંચાલને અચાનક છાતીમાં દુખાવો થતાં એમ્બ્યુલન્સમાં લઈ જાય તે પહેલાં જ તેનું મોત નિપજ્યુ હતુ. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મોતનો ગુનો દાખલ કરાયો છે. 

નવસારીમાં ગરબા બાદ યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યો
નવસારી જિલ્લામાં નવરાત્રિ દરમિયાન હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. ગરબા રમીને આવ્યા બાદ વિજલપોરના મૃણાલ શુક્લાનું ગુરુવારે રાતે એટેકથી મોત નિપજ્યુ છે. ગરબા રમીને આવ્યા બાદ મૃણાલને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો, સારવાર મળે એ પૂર્વે મોત આવ્યુ હતું. નવસારી જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં બે વિદ્યાર્થીઓ સહિત 5 લોકોએ હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવ્યો છે. 

હાલાર પંથકમાં હ્રદયરોગના હુમલાનો સિલસિલો યથાવત…
દેવભૂમિ દ્વારકા જિલ્લા હ્રદયરોગ હુમલાના કારણે બેના મોત થયા છે. જામ ખંભાળીયાના મોટા આંબલા ગામના અમીતભાઇ સંઘાર નામના 31 વર્ષ ના યુવાનનું હાર્ટએટેક આવતા મોત નિપજ્યું છે. તો જામ ખંભાળીયાના રામનગર વિસ્તારમાં રહેતા રવજીભાઈ કણજારીયા નામના 72 વર્ષના પ્રોઢને હાર્ટએટેક આવતા મોત નિપજ્યું છે. 

સુરતના પલસાણામાં યુવકનું મોત 
સુરતના પલસાણા ગામના વ્યાસ ફળીયામાં ગઈકાલે રાત્રે એક નવ યુવકનું મોત થયુ હતું. રાહુલ રાઠોડ ઉર્ફે લાલુ નામનો યુવક ગઈકાલે પોતાના ફળિયામાં યુવકો સાથે ગરબા રમી રહ્યો હતો અને અચાનક થોડી વાર બાદ ગરબા રમતા રમતા ચક્કર આવતા ત્યાંજ બેસી ગયો હતો અને ઢળી પડ્યો હતો. જોકે સ્થાનિકો યુવકને તરત જ પહેલા ખાનગી અને ત્યારબાદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. પરંતુ ફરજ પાર હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. 

રાહુલના માતાનું અવસાન થતાં પિતાએ અન્ય જગ્યાએ લગ્ન કરી લેતા રાહુલને નાનપણમાં જ તેના મામા પોતાને ઘરે પલસાણા લઈ આવ્યા હતા. રાહુલ મામાને ત્યા રહી મોટો થયો અને લગ્ન પણ કર્યા. રાહુલ પોતાના ઘર પાસેજ એક પરચુરણ ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાહુલને ત્યાં ઘરે એક 4 વર્ષની દીકરી છે અને હાલ પણ રાહુલની પત્નીને 6 માસનો ગર્ભ છે. રાહુલને ગરબા રમવાનો શોખ ન હતો, પરંતુ મિત્રોની જીદને કારણે રાહુલ ગરબા રમવા ઉતર્યો હતો. રાહુલ માંડ ત્રણથી ચાર રાઉન્ડ ગરબા ફર્યો હશે, ત્યાં જ આ ઘટના બની હતી. સ્થાનિકો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ રાહુલ છેલ્લા 3 દિવસથી બીમાર હતો. રાહુલના મોતને કારણે આખા પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

નવરાત્રિમાં હાર્ટ એટેકથી આ રીતે બચો 
નવરાત્રિમા આ વર્ષે ખેલૈયાઓમાં વધતા હાર્ટ એટેકના કેસોનો લઇને હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો.કેશા કોઠારીએ કહ્યું કે, અચાનક જ લાઇફ સ્ટાઇલ બદલાવાથી આ પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે. આજકાલ લોકોને કસરત અને વધુ શ્રમ કરવાની ટેવ નથી હોતી અને અચાનક જ ગરબે રમતા આ ઘટના બને છે. દરેક વ્યક્તિએ દાંડિયા રમતા પહેલા ખૂબ તકેદારી રાખવી જોઇએ. વોર્મ અપ કરવું, શરીરમાં પુરતા પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ કરવો, ગરબા રમતા સમયાંતરે બ્રેક લેવો જરૂરી છે. ખાસ કરીને બહારનું જમવાનું ટાળવું જોઇએ. શરીરમાં ગેસ એસિડીટી થઇ હોય તેવી બળતરાં જણાય, શરીરના ડાબા ભાગમાં અસહ્ય દુખાવો થવો, થાક લાગવો, ચક્કર આવવા… આ પ્રકારના લક્ષણ જણાય તો તુરંત જ તબીબનો સંપર્ક કરવો જોઇએ અને ગરબાં રમવાનું પણ ટાળવું જોઇએ.