તરણેતરના મેળા દરમિયાન ત્રણ દિવસ પશુ પ્રદર્શન હરીફાઇ યોજાશે… વિજેતા પશુ ઓને વિવિધ કેટેગરીમાં ઈનામ અપાશે: કોઈ પણ એક વર્ગમાંથી એક શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતા પશુ ને “ચેમ્પિયન ઓફ ધ શો” નું ઈનામ અપાશે ગુજરાતના વિશ્વ વિખ્યાત એવા તરણેતર ના મેળા ની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જીલ્લાના તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ૧૮-૦૯-૨૦૨૩ થી તા. ૨૦-૦૯-૨૦૨૩ દરમ્યાન લોકમેળો યોજાનાર છે.આ મેળા દરમિયાન ત્રણ દિવસ માટે રાજ્યના પશુપાલન ખાતાદ્વારા ભવ્ય પશુપ્રદર્શન હરીફાઇનું આયોજન કરાયું છે એમ પશુપાલન નિયામકની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ પશુ પ્રદર્શન હરીફાઈમાં ગુજરાત રાજ્યના પશુપાલકોને ગીર, કાંકરેજ ગાયવર્ગ અને જાફરાબાદી, બન્ની ભેંસવર્ગના શુધ્ધ ઓલાદના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પશુઓને મેળામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવશે. પશુ પ્રદર્શનમાં આવેલ પશુઓની ઓલાદ મુજબ ઉચ્ચ ગુણવત્તાની હરીફાઈ યોજી વિજેતા પશુઓને પ્રથમ, દ્વિતીય, તૃતિય અને આશ્વાસન કેટેગરીમાં ઈનામો આપવામાં આવશે. દરેક વર્ગ પૈકી કોઈ પણ એક વર્ગમાંથી એક શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતા પશુને “ચેમ્પિયન ઓફ ધ શો”નું ઈનામ આપવામાં આવશે.
આ અંગે વધુ માહિતી માટે રાજ્યની પશુપાલન નિયામકની કચેરી અથવા વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકની કચેરી, રાજકોટ અથવા આપની નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.
ક્યારે યોજાય છે તરણેતરનો મેળો
સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના સાંનિધ્યમાં આ મેળો યોજાય છે. દર વર્ષે ભાદરવા માસની ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ એમ ચાર દિવસ મેળો યોજાય છે. રાજ્ય સરકારે આ મેળાને વર્લ્ડ ફેમસ બનાવ્યો. તેમજ અહી પશુ પ્રદર્શન હરીફાઈ યોજીને તેને ધબકતો કર્યો. પશુપાલન વિભાગ દ્વારા 2008 ના વર્ષથી મેળામાં પશુ પ્રદર્શન અને હરીફાઈનો પ્રારંભ કરવામા આવ્યો હતો.
દેશ વિદેશથી પર્યટકો આ મેળામાં મુખ્ય મહેમાન તરીકે ઉમટતા હોય છે, ત્યારે આ વર્ષે વધુ પ્રવાસીઓ આવે તેવી શક્યતા છે. મેળાના આયોજન અંગે ગ્રામ પંચાયત દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.