હાલ અયોધ્યામાં ભગવાન રામ લલા ના મંદિરના બાંધકામની કામગીરી ચાલી રહી છે. ઓક્ટોબર-2023માં ભગવાન રામ લલા નું ગર્ભગૃહ તૈયાર થઈ જશે અને જાન્યુઆરીમાં 2024માં ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. ત્યારે તમામ શ્રદ્ધાળુઓ જાણવા આતુર હશે કે, ભગવાન રામ લલા ક્યારે મંદિરમાં બિરાજમાન થશે, ત્યારે રામલલ્લાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે આજે મહત્વની જાહેરાત કરી છે. 24 જાન્યુઆરી-2024ના રોજ ભગવાન રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થશે અને આ દિવસે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે.
2024માં 24 જાન્યુઆરીએ ભગવાન રામલલા મંદિરમાં બિરાજમાન થશે
ઓક્ટોબર-2023માં ગર્ભગ્રુપ તૈયાર થવાના અહેવાલો સામે આવ્યા બાદ ભગવાન રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ક્યારે યોજાશે, તે સૌકોઈ શ્રદ્ધાળુઓ જાણવા તૈયાર છે, ત્યારે અયોધ્યા રામ મંદિરના મુખ્ય પુજારીએ તમામ શ્રદ્ધાળુઓ આતુરતાનો અંત લાવી દીધો છે. તેમના જણાવ્યા મુજબ 24 જાન્યુઆરી-2024ના રોજ ભગવાન રામ લલ્લા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે અને ભગવાન રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થશે.
રામ જન્મભૂમિ પર મંદિરના નિર્માણ કાર્યમાં મજૂરોની સંખ્યા વધારાઈ
રામ જન્મભૂમિ પર નિર્માણાધીન રામ મંદિરના નિર્માણ કાર્યમાં મજૂરોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. હવે 1600 કારીગરો અને મજૂરો રામ મંદિરને આકાર આપવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં 900 મજૂરો હતા, ત્યારે વધુ 700 મજૂરો કામમાં જોડાયા છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કેમ્પસમાં ચાલી રહેલી મોટાભાગની કામગીરીઓ પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે મજૂરોની સંખ્યમાં વધારો કરવામાં આવ્યો છે.
મંદિરની ખાસિયત
રામ મંદિર 380 ફૂટ લાંબુ, 250 ફૂટ પહોળુ અને 161 ફૂટ ઊંચુ હશે. કુબેર ટીલે પર શિવ મંદિર અને જટાયુ ભક્તોને આકર્ષિત કરશે. રામ મંદિરમાં સાગના લાકડાના 46 દરવાજા હશે. સાથે જ ગર્ભગૃહનો દરવાજો સુવર્ણજડિત હશે. સાથે જ મંદિરમાં 392 સ્તંભ હશે.
મોટા ભૂકંપ પણ રામમંદિરનું કંઈ નહીં બગાડી શકે, 1000 વર્ષ અડીખમ રહેશે
શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં નિર્માણાધીન રામ મંદિર માત્ર ભવ્યતા જ નહીં પરંતુ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ ટોચ પર રહેશે. રામ મંદિરના નિર્માણ માટે કાર્યકારી સંસ્થાના એન્જિનિયરોએ દાવો કર્યો છે કે રામ મંદિર 8.0 રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપ સામે પણ સુરક્ષિત રહેશે. મંદિરને કુદરતી આફતોથી બચાવવા માટે ખાસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે રામ મંદિર ઓછામાં ઓછા એક હજાર વર્ષ સુધી અડગ રહેશે. મંદિરના નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
કર્ણાટકના ગ્રેનાઇટ પથ્થરો પાયામાં વપરાયા
મંદિરના પાયામાં કર્ણાટકના ગ્રેનાઈટ પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પાણીના પ્રવાહને સહન કરવાની ક્ષમતા ધરાવે છે. મંદિરના નિર્માણમાં દેશની આઠ જાણીતી ટેકનિકલ એજન્સીઓની મદદ લેવામાં આવી છે. મંદિરનો પાયો લગભગ 50 ફૂટ ઊંડો છે. તેની ઉપર 2.5 ફૂટનો રાફ્ટ બનાવવામાં આવ્યો છે. રાફ્ટની ઉપર 21 ફૂટ ઉંચો પ્લિન્થ બનાવવામાં આવ્યો છે. મંદિર પ્લીન્થ ઉપર આકાર લઈ રહ્યું છે.