તેલંગાણામાં ભારે વરસાદ
ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
ત્રણ દિવસ માટે રેડ એલર્ટ જાહેર
તેલંગાણામાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ યથાવત છે, ખાસ કરીને નિઝામાબાદ અને વારંગલ જિલ્લામાં. ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવનને માઠી અસર પહોંચી છે. બીજી તરફ, તેલંગાણા સરકારે રાજ્યમાં સતત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને બુધવાર અને ગુરુવાર બે દિવસની રજાઓ જાહેર કરી છે. હૈદરાબાદના હવામાન વિભાગે જણાવ્યું હતું કે તેલંગાણાના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે ત્રણ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું.
અનેક જિલ્લાઓમાં પૂરના કારણે તબાહી
નિઝામાબાદ જિલ્લાના વેલપુર મંડલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે તળાવ તૂટી ગયું છે. સાથે જ નેશનલ હાઈવે નંબર 63 પર પૂરના પાણી વહી રહ્યા છે. પાણીના જોરદાર પ્રવાહને કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. આ સાથે હાઈવે પર વાહનોની અવરજવર પણ ખોરવાઈ ગઈ છે.
વાહનવ્યવહાર પર અસર
આ ઉપરાંત આરમૂર અને ભીમગઢ વચ્ચેના રોડ પર પૂરના પાણીને કારણે વાહનોની અવરજવર પર અસર પડી છે, વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. વેલપુરમાં પોલીસ સ્ટેશન, તહસીલદારની ઓફિસ સહિત અન્ય ઘરો પણ પૂરની ઝપેટમાં આવી ગયા છે. સ્થિતિ એવી થઈ ગઈ હતી કે પોલીસને છત ઉપર જવું પડ્યું, પાણીનો પ્રવાહ ઓછો થતાં તેઓ નીચે આવ્યા.
હાઇવે પર પાણી વહી રહ્યું છે
આવી જ સ્થિતિ વારંગલ જિલ્લામાં પણ છે, ભારે વરસાદને કારણે ખમ્મમ અને વારંગલ વચ્ચેના હાઈવે પર પૂરના પાણી વહી રહ્યા છે. આ હાઇવે નદી જેવો લાગે છે, લાંબા અંતર સુધી ટ્રાફિક જામ છે. વાહનો પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. જો કે, કેટલાક લોકો બસમાંથી નીચે ઉતરીને જીવ જોખમમાં મુકીને પૂરના પાણીને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પુલ ક્રોસ કરતી વખતે બે છોકરીઓ ડૂબી ગઈ
રાજ્યના ઘણા ભાગોમાંથી આવી જ ઘટનાઓ સામે આવી રહી છે, કેટલાક લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. મહેબુબનગર જિલ્લાના જેચરલા મંડલ વિસ્તારમાં પુલ ક્રોસ કરતી વખતે બે છોકરીઓ પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. બીજી તરફ નિર્મળ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના પાણીને કારણે અનેક ગામોની વચ્ચેના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.