સાધુ અને ભગવા વસ્ત્રો નામ સાંભળો તો તમારી સામે સંતનો આકાર ઉભો થાય, પણ આ નામને આંધ્રપ્રદેશના એક સાધુ એ કલંકિત કર્યો છે, તેના ઉપર આરોપ છે કે સાધુએ એક સગીર દિકરીને બંધક બનાવી તેની સાથે દુષ્કર્મ આચર્યો,, તમને જણાવી દઇએ કે આંધ્રપ્રદેશમાં આવેલ એક આશ્રમમાં સાધુ એ સગીર દિકરી પર 2 વર્ષ સુધી દુષ્કર્મ આચરવાના ગુનામાં સાધુ પૂર્ણાનંદ સ્વામીની ધરપકડ કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આંધ્રપ્રદેશ પોલીસે વિશાખાપટ્ટનમના કોઠા વેંકોજિપલેમમાં આવેલ જ્ઞાનાનંદ આશ્રમના પૂર્ણાનંદ સ્વામીની પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરીને ધરપકડ કરી છે. એક સગીર છોકરીએ તેણી આશ્રમમાં કામ કરતી હતી ત્યારે છેલ્લા 2 વર્ષથી પૂર્ણાનંદ સ્વામી દુષ્કર્મ કરતો હોવાનો આરોપ લગાવ્યો છે. યુવતીની ફરિયાદના આધારે ધરપકડ કરાઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર 15 વર્ષીય સગીર છોકરી રાજ મહેન્દ્રવરમની રહેવાસી છે અને તે જ્યારે બાળકી હતી ત્યારે તેના માતા-પિતાનું મોત નિપજ્યું હતું.
સગીરાને સાંકળોથી બાંધી ગુજરતો હતો દુષ્કર્મ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અનાથ થયા બાદ યુવતી થોડો સમય તેના સંબંધીઓ સાથે રહી… પરંતુ ત્યારબાદ તેને જ્ઞાનાનંદ આશ્રમમાં મોકલી દેવાઈ… સગીરાને આશ્રમમાં ગાયોની સંભાળ રાખવાનું કામ સોંપાયું હતું. પીડિત સગીરાનો આરોપ છે કે, પૂર્ણાનંદ સ્વામી તેને એક રાત્રે તેના રૂમમાં લઈ ગયા અને તેના પર દુષ્કર્મ આચર્યું… ત્યારબાદ સ્વામીએ તેણીને સાંકળોથી બાંધી અને ઈચ્છા પૂરી કરવા કહ્યું. આ બાબતે સગીરાએ ઈન્કાર કર્યો તો સ્વામીએ તેની સાથે બળજબરી કરી…
ભોજન અને સ્નાન પર પ્રતિબંધ
પીડિતા સગીરાએ જણાવ્યું કે, સ્વામીએ તેને માર માર્યો અને ત્યારે તેને માત્ર 2 ચમચી ચોખા પાણીમાં મિક્સ કરીને ખાવા માટે અપાતું હતું. 15 દિવસમાં માત્ર એક જ વાર સ્નાન કરવા દેતા હતા. સગીરાએ એવો પણ આક્ષેપ કર્યો કે, તેણીને વોશરૂમમાં ન જવા દીધી અને ડોલમાં પેશાબ કરવા માટે દબાણ કરાયું… સગીરાએ કહ્યું કે, આ રીતે તેને 2 વર્ષ સુધી પરેશાન કરવામાં આવી.
પીડિતા આશ્રમમાંથી ભાગી નિકળી
સગીરાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તેની પર આ રીતે 2 વર્ષ સુધી ત્રાસ ગુજારાયો હતો. દરમિયાન સગીર પીડિતા આશ્રમમાંથી ભાગવામાં સફળ રહી અને તિરુમાલા એક્સપ્રેસમાં બેસી ગઈ…. આ દરમિયાન તેણે એક મહિલા મુસાફરને તેની દુઃખદ ઘટના સંભળાવી… આ મહિલાએ 2 દિવસ પહેલા કૃષ્ણા જિલ્લાના કંકીપાડુ ખાતેની એક હોસ્ટેલમાં છોકરીને એડમિટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હોસ્ટેલે પોલીસ સ્ટેશનના પત્ર વગર છોકરીને પ્રવેશ આપવાની ના પાડી દીધી…
સ્વામીનો ખુલાસો મને ફસાવવામાં આવી
ત્યારબાદ સગીર છોકરી અને મહિલાએ કાંકીપાડુ પોલીસ સ્ટેશન પહોંચી… ત્યાંથી બાળ કલ્યાણ સમિતિ (CWC)ના સભ્યોએ તેને વિજયવાડાના દિશા પોલીસ સ્ટેશન મોકલી અને અહીં પોલીસે સ્વામી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો. ત્યારબાદ યુવતીને મેડિકલ તપાસ માટે વિજયવાડાની જૂની સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. બીજી તરફ વિશાખાપટ્ટનમમાં પોલીસ કર્મચારીઓએ સોમવારે સ્વામીની ધરપકડ કરી હતી. સ્વામીએ કોઈપણ ખોટું કામ કર્યું હોવાનો ઈનકાર કર્યો છે અને દાવો કર્યો છે કે, કેટલાક લોકો આશ્રમની જમીનો હડપ કરવા તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવાનો પ્રયાસ કરી રહ્યા છે.