હથિયારના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ
રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી
આરોપીઓ ઉત્તર પ્રદેશના કાનપુરથી હથિયાર લાવ્યા હતા
રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હથિયારના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીએ ઉત્તરપ્રદેશથી હથિયારનો જથ્થો લાવી ગુજરાતમાં વેચવાનું પ્લાન બનાવ્યું હતું. જોકે હથિયારોનો સોદો થાય તે પહેલા જ આરોપીને ઝડપીને ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા હાંસલ કરી છે. બંને આરોપીઓ પાસેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે પિસ્ટલ અને પાંચ દેશી બનાવટની પિસ્ટલ અને 15 કારતુસ કબજે કર્યા છે. આરોપી શાદાબઆલમ શેખ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહે છે. આરોપી ઉત્તર પ્રદેશના કાનપુરથી તમામ હથિયારો લાવી અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વેચવાનો હતું. આરોપીની સાથે રબનવાઝખાનની પણ ધરપકડ કરવામાં આવી છે, તેની પાસે બે હથિયાર મળી આવ્યા હતા. આ બંને હથિયારો શાદાબ આલમે આપ્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી શાદાબ આલમ કાનપુરથી પિસ્ટલ 15 હજાર રૂપિયામાં લાવીને 35 હજાર રૂપિયામાં વેચવાનો હતો.
તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું કે આરોપી આ હથિયાર સૌરાષ્ટ્રમાં વેચવાનો હતો. પ્રાથમિક તપાસમાં એ હકીકત પણ સામે આવી કે હથિયાર ખરીદનાર ગ્રાહકો પોતાની દુશ્મનાવટ અને મોજ- શોખ તેમજ રોંફ જમાવવા માટે આ હથિયાર ખરીદવાના હતા. આરોપી આ હથિયાર યુપીથી લક્ઝરી બસમાં લાવ્યો હોવાની પણ બાબત સામે આવી છે.પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે,.