રશિયાએ ભારતને કેમ આપી ધમકી ?

0
135

યુક્રેન સાથેના યુદ્ધને કારણે વિશ્વથી અલગ પડેલું રશિયા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સમાં સહયોગ માટે ભારત પર દબાણ કરી રહ્યું છે. રશિયાએ કહ્યું છે કે જો ભારત રશિયાને એફએટીએફની ‘બ્લેક લિસ્ટ’ અથવા ‘ગ્રે લિસ્ટ’માં સામેલ થવાથી નહીં બચાવે તો તે ભારત સાથેના સંરક્ષણ અને ઊર્જા સોદાને સમાપ્ત કરી દેશે.

ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ શુ છે

ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય આર્થિક ગુનાઓને રોકવાનો પ્રયાસ કરે છે. આ સંસ્થાની બ્લેક અથવા ગ્રે લિસ્ટમાં સામેલ દેશ પર દેખરેખ વધારવામાં આવે છે અને આપવામાં આવતી નાણાકીય સહાય બંધ કરવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર પડદા પાછળ રશિયા ભારત સહિત ગ્લોબલ સાઉથના ઘણા દેશોને એફએટીએફ લિસ્ટમાંથી બચાવવા માટે દબાણ કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેન સાથે યુદ્ધને કારણે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ જૂનમાં રશિયાને બ્લેક લિસ્ટ અથવા ગ્રે લિસ્ટમાં સામેલ કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા પોતાને આર્થિક અલગતાથી બચાવવા માટે ભારતને સંરક્ષણ અને ઊર્જા સોદા ખતમ કરવાની ધમકી આપી રહ્યું છે.

ફેબ્રુઆરી 2023 માં રશિયાનું સભ્યપદ એફએટીએફએ રદ કર્યું હતું

ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સએ ફેબ્રુઆરી 2023 માં રશિયાનું સભ્યપદ રદ કર્યું હતું. રશિયાની સદસ્યતા રદ કરતી વખતે એફએટીએફએ કહ્યું હતું કે યુક્રેનમાં રશિયાની ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી આ સંસંથાના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. એફએટીએફ એ પણ કહ્યું હતું કે યુક્રેનમાં રશિયાની ચાલી રહેલી કાર્યવાહી ઉશ્કેરણીજનક છે. એફએટીએફસભ્યપદ રદ થયા બાદથી રશિયાને બ્લેક લિસ્ટ અથવા ગ્રે લિસ્ટમાં સામેલ કરવાનો આગ્રહ કરી રહ્યું છે.

ભારત પર કેવી અસર થઇ શકે છે

યુક્રેન યુદ્ધના કારણે અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર પહેલાથી જ ઘણા પ્રતિબંધો લગાવી દીધા છે. હાલમાં રશિયા પર સૌથી વધુ પ્રતિબંધો છે. આ પછી રશિયાએ પોતાની અર્થવ્યવસ્થાને જાળવી રાખવા માટે ચીન, ભારત અને તાઈવાન જેવા દેશો સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો છે. જો એફએટીએફ રશિયાને બ્લેકલિસ્ટ કરે છે, તો આ દેશોને પણ રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખવું અત્યંત મુશ્કેલ બનશે. જેના કારણે રશિયન અર્થવ્યવસ્થા પડી ભાંગી શકે છે. આ બાબતથી વાકેફ એક અધિકારીએ કહ્યું છે કે રશિયાએ ચેતવણી આપી છે કે જો રશિયાને ‘ગ્રે લિસ્ટ’માં સામેલ કરવામાં આવશે તો રશિયા માટે ભારતને શસ્ત્રોની સપ્લાય અને અન્ય પ્રોજેક્ટ્સ અંગેની પ્રતિબદ્ધતાઓ પૂરી કરવી મુશ્કેલ બનશે. નામ જાહેર ન કરવાની શરતે અધિકારીએ કહ્યું કે યુદ્ધની શરૂઆતથી જ રશિયાએ એફએટીએફ બેઠકમાં ભારતને મદદની અપીલ કરી છે. અગાઉ મે મહિનામાં પણ રશિયાએ કહ્યું હતું કે ભારત એફએટીએફનું વિશ્વસનીય સભ્ય છે. પરંતુ એ દુઃખની વાત છે કે ભારતે રશિયાના સસ્પેન્શનનો વિરોધ કર્યો નથી.