NCP નેતા અજીત પવારના નિવેદનથી ફરી ગરમાયું મહારાષ્ટ્રનું રાજકારણ

0
174

૨૦૨૪ની રાહ જોવા નથી માંગતો, અત્યારે જ મુખ્યમંત્રી બનવા માટે તૈયાર : પવાર

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી મોટી હિલચાલ જોવા મળી રહી છે. તાજેતરમાં એનસીપી નેતા અજીત પવાર ભાજપમાં જોડાશે તેવી અટકળો પણ તેજ થઇ હતી, પરંતુ ત્યારબાદ પવારે પોતે કહ્યું હતું કે, તેઓ જીવે ત્યાં સુધી એનસીપીમાં જ રહેશે. અજીત પવારે ભલે આ વાત કહી છે, પરંતુ તેમના મનમાં હજુ પણ ભાજપ માટે સોફ્ટ કોર્નર જોવા મળી રહ્યું છે. હવે તેમને જે નિવેદન આપ્યું છે, તેના કારણે ફરી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું છે કે, “ભાજપને વર્ષ ૨૦૧૪ અને વર્ષ ૨૦૧૯માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે જ જીત મળી હતી, જે કાર્ય વાજપેયી, અડવાણી કે મુરલી મનોહર જોશી ન કરી શક્યા તે મોદીએ કરી બતાવ્યું છે. વર્ષ ૧૯૮૪ બાદ ૨૦૧૪માં પ્રથમ વખત પૂર્ણ બહુમતની સરકાર બની હતી. યુપીએના શાસનકાળમાં પણ સોનિયા ગાંધી અને મનમોહનસિંહે સરકાર બનાવવા માટે અન્ય સહારો લીધો હતો, પરંતુ ૨૦૧૪માં મોદીએ કરી બતાવ્યું.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “ હું ૨૦૨૪ની રાહ જોવા નથી માંગતો. હું અત્યારે જ મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છું.”