ગુજરાત – ૧૩૫/૬, લખનૌ – ૧૨૮/૭
લખનૌ ખાતે આઈપીએલની ૩૦મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. આ લો સ્કોરિંગ મેચમાં ગુજરાત ટાઇટન્સનો ૭ રને રોમાંચક વિજય થયો છે. આ મેચમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધીમાન સહાએ ૩૭ બોલમાં ૪૭ રન ફટકાર્યા હતા, જયારે હાર્દિકે ૫૦ બોલમાં ૬૬ રન ફટકાર્યા હતા, તો લખનૌ તરફથી કૃણાલ પંડ્યાએ ૨ અને સ્ટોઈનિસે ૨ વિકેટ ઝડપી હતી. ૨૦ ઓવરના અંતે ગુજરાત ટાઈટન્સે ૬ વિકેટના ભોગે ૧૩૫ રન ફટકાર્યા હતા અને લખનૌને મેચ જીતવા માત્ર ૧૩૬ રનનું લક્ષ્યાંક આપ્યું હતું, જોકે આ લક્ષ્ય હાંસલ કરવામાં લખનૌ નિષ્ફળ રહ્યું હતું. એક સમયે એવું લાગી રહ્યું હતું કે, આ મેચ લખનૌ આરામથી જીતી જશે, ગુજરાતની ધારદાર બોલિંગ અને ફિલ્ડીંગ સામે લખનૌના બેટ્સમેન ચાલ્યા નહોતા. લખનૌ તરફથી કે.એલ રાહુલે ૬૧ બોલમાં ૬૮ રન ફટકાર્યા હતા, જ્યારે મેયર્સે ૨૪ રન અને કૃણાલ પંડ્યાએ ૨૩ રન ફટકાર્યા હતા. ૨૦ ઓવરના અંતે લખનૌ ૭ વિકેટના ભોગે માત્ર ૧૨૮ રન ફટકારી શક્યું હતું અને ગુજરાતનો ૭ રને ભવ્ય વિજય થયો છે. ગુજરાત તરફથી મોહિત શર્માએ અને નૂર અહેમદે ૨-૨ વિકેટ ઝડપી હતી.