ચારધામ યાત્રા શરૂ થવાની તારીખ નજીક આવતાં જ સાયબર ઠગ પણ સક્રિય થઈ ગયા છે. ચારધામ માટે હેલી સેવાના નામે અઢળક નકલી વેબસાઈટ તૈયાર કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડ પોલીસના STFએ આવી 8 ફેક વેબસાઈટ પકડી પાડી છે, જેને તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. આ વેબસાઇટ્સ દ્વારા હેલી સર્વિસ બુક કરાવવાના નામે અલગ-અલગ રાજ્યોના રહેવાસીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. એસટીએફ આ પીડિતોને શોધવાનો પ્રયાસ કરી રહી છે.નકલી વેબસાઈટના સંચાલકોની પણ શોધ કરવામાં આવી રહી છે. દર વર્ષે ચારધામ યાત્રા દરમિયાન હેલી સેવા આપવાના નામે છેતરપિંડી કરતા સાયબર ગુનેગારો સક્રિય બને છે. તેને ધ્યાનમાં રાખીને, સરકારે આ વખતે સિસ્ટમમાં ફેરફાર કર્યો અને હેલી સેવા માટે બુકિંગની જવાબદારી ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ને સોંપી દીધી. આ સિવાય અન્ય કોઈ વેબસાઈટ પર હેલી સર્વિસનું બુકિંગ થઈ રહ્યું નથી.