શુ તમને ખબર છે પાકિસ્તાનમાં આઝાદીના 75 વરસ બાદ હિન્દુ લગ્નોને આપવામા આવી છે માન્યતા

0
161

આઝાદીના 75 વર્ષ બાદ હવે પાકિસ્તાનમાં રહેતા હિંદુઓને તેમના રિવાજો અનુસાર લગ્ન કરવાની આઝાદી મળી છે. ભારતના પાડોશી દેશમાં હિંદુ મેરેજ એક્ટ 2017 લાગુ થયાના પાંચ વર્ષ બાદ, પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં નિયમોની સૂચના આપવામાં આવી છે. જેને ‘ઈસ્લામાબાદ કેપિટલ ટેરિટરી હિંદુ મેરેજ રૂલ્સ 2023’ નામ આપવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ લાંબા સમયથી આ કાયદાને લાગુ કરવાની માંગ કરી રહ્યા છે, જેને હવે આંશિક રીતે લાગુ કરવામાં આવી રહ્યો છે.

હિન્દુ લગ્નો માટે કેવી રીતે બન્યા નિયમ

હિંદુ લગ્ન સંબંધિત આ નિયમો હાલમાં માત્ર ઈસ્લામાબાદમાં જ લાગુ કરવામાં આવે છે, પરંતુ તેને શરૂઆત માનવામાં આવે છે. આ નિયમો અમલીકરણ માટે પાકિસ્તાનના તમામ સંઘીય પ્રદેશોની કાઉન્સિલને મોકલવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં આ નિયમો પાકિસ્તાનના પંજાબ, ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન જેવા રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. જાણકારોના મતે લગ્ન માટે તમામ રાજ્યો અલગ-અલગ નિયમો બનાવે છે તેના બદલે આ નિયમોને પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં પણ માન્યતા આપવામાં આવે તે તકનીકી અને રાજકીય રીતે યોગ્ય રહેશે.

હિન્દુ ધર્મ માટે શુ છે નિયમો

નિયમો જણાવે છે કે હવે પાકિસ્તાનની રાજધાનીમાં તમામ યુનિયન કાઉન્સિલોએ હિંદુ લગ્ન કરાવવા માટે પંડિત અથવા મહારાજની નોંધણી કરાવવી પડશે. હિન્દુત્વનું પૂરતું જ્ઞાન ધરાવતો કોઈપણ હિન્દુ માણસ પંડિત બની શકે છે. પરંતુ આ પંડિતની નિમણૂક ત્યારે જ થઈ શકે છે જ્યારે તેણે સ્થાનિક પોલીસ પાસેથી ચારિત્ર્ય પ્રમાણપત્ર મેળવ્યું હોય અને સમુદાયના 10 લોકોએ તેની ભલામણ કરી હોય.

પંડિતોની દક્ષિણા સરકાર નક્કી કરશે, લગ્નનું પ્રમાણપત્ર આપવામાં આવશે

જે રીતે મુસ્લિમો માટે રજિસ્ટર્ડ નિકાહ-ખવાં છે, તેવી જ રીતે સંબંધિત યુનિયન કાઉન્સિલ પણ રજિસ્ટર્ડ ‘મહારાજ’ને શાદી પર્ટ એટલે કે લગ્નનું પ્રમાણપત્ર જારી કરશે. આ રીતે તમામ લગ્નો યુનિયન કાઉન્સિલમાં પણ નોંધવામાં આવશે.નિયમો અનુસાર, લગ્ન અધિનિયમ હેઠળ નિમણૂક કરાયેલા કોઈપણ ‘મહારાજ’ સરકાર દ્વારા નિર્ધારિત ફી સિવાયના લગ્ન માટે કોઈ પૈસા વસૂલશે નહીં. ‘મહારાજ’ના મૃત્યુના કિસ્સામાં અથવા તેમનું લાઇસન્સ રદ થવાના કિસ્સામાં, તેમના દ્વારા જાળવવામાં આવેલા તમામ લગ્નના રેકોર્ડ્સ સંબંધિત સંઘને સબમિટ કરવામાં આવશે, જે પછી તેમના અનુગામીને સોંપવામાં આવશે. રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી માત્ર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 18 વર્ષથી વધુ ઉંમરના હિંદુ પુરૂષો અને મહિલાઓ માટે તેમના લગ્નની નોંધણી કરાવવા માટે કાયદો ઘડવામાં આવ્યો હતો. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં જ હિન્દુઓની મોટી વસ્તી રહે છે.

છૂટાછેડા માટેના કયા નિયમો થયા નક્કી

નવા નિયમમાં વિવાદોના સમાધાન કે છૂટાછેડા માટેની પ્રક્રિયા પણ નિર્ધારિત કરવામાં આવી છે. ‘ઈસ્લામાબાદ કેપિટલ ટેરિટરી હિંદુ મેરેજ રૂલ્સ 2023’ ના નિયમોની કલમ 7 પણ હિન્દુઓને પશ્ચિમ પાકિસ્તાન ફેમિલી કોર્ટ એક્ટ 1964 હેઠળ લગ્ન રદ કરવા માટે કોર્ટનો સંપર્ક કરવાની મંજૂરી આપે છે.

હિંદુઓ જોખમના કારણે ઈસ્લામાબાદ તરફ થયા સ્થળાતંરિત

નેશનલ લોબીંગ ડેલિગેશન ફોર માઈનોરીટી રાઈટ્સ એ આ નિયમો પસાર કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. NLD સભ્ય જય પ્રકાશના જણાવ્યા અનુસાર, છેલ્લા એક દાયકામાં સુરક્ષાની ચિંતાઓને કારણે સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાંથી સ્થળાંતર થવાને કારણે ઈસ્લામાબાદમાં હિંદુ સમુદાયની વસ્તીમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે.