મહારાષ્ટ્ર: રાયગઢમાં ભૂસ્ખલનનો મૃતકાંક 27 થયો
મૃતદેહો કાઢી ન શકાતા દુર્ગંધ ફેલાઈ
શબની દુર્ગંધ ફેલાતા વિસ્તારમાં કલમ 144 લાગુ કરાઈ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ઇર્શાલવાડી ગામમાં સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન રવિવારે સતત ચોથા દિવસે પણ ચાલુ રહ્યું હતું. ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 27 પર પહોંચ્યો હતો, જ્યારે 75થી વધુ ગ્રામજનો હજુ સુધી શોધી શકાયા નથી અને તેમના માટે શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. મુંબઈથી લગભગ 80 કિમી દૂર આવેલા ખાલાપુર તહસીલ હેઠળ આવેલા આદિવાસી ગામમાં બુધવારે રાત્રે ભૂસ્ખલન થયું હતું.
હેલિકોપ્ટરની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા
મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં મુશળધાર વરસાદ સતત સમસ્યા બની રહ્યો છે. વિદર્ભના યવતમાલ જિલ્લામાં શનિવારે રેકોર્ડ 231 મીમી વરસાદ નોંધાયો હતો. જેના કારણે મહાગાંવ તાલુકાના એક ડઝનથી વધુ ગામોમાં પાણી ભરાયા હતા. અહીં પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે વાયુસેનાના બે મિરાજ-17V હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.
યવતમાલ જિલ્લાના વાઘાડી ગામમાં દિવાલ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું. શુક્રવાર રાતથી જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાએ મકાનો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. એસડીઆરએફની પાંચ ટીમોએ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
પૂર્વ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં પણ ડઝનબંધ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન, પ્રાદેશિક હવામાન વિભાગે પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં રવિવારે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રવિવારે મુંબઈમાં કેટલીક જગ્યાએ વરસાદ માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ