દેશમાં એપ્રિલના અંત સુધીમાં 1 લાખથી વધુ કેસ નોંધાઈ શકે છે

0
117

એપ્રિલમાં રોજના સરેરાશ 4 હજાર કેસ સામે આવ્યા

દેશમાં ફરી એકવાર કોરોના દર્દીઓની સંખ્યા વધવા લાગી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 6050 નવા કેસ નોંધાયા છે, અને 14 લોકોનાં મોત થયાં છે. એક્ટિવ કેસનો આંકડો દેશમાં 28,303 થઈ ગયો છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આજે બપોરે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી. આ બેઠકમાં માંડવિયાએ દેશમાં કોવિડ 19ની સ્થિતિ પર કહ્યું હતું કે આપણે સતર્ક રહેવાની જરૂર છે અને  ગભરાવાની જરૂર નથી. અત્યારે ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ દેશમાં ફેલાઈ રહ્યો છે. જેમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી. સરેરાશ જોઈએ તો માર્ચમાં રોજના સરેરાશ 1 હજાર નવા કેસ સામે આવ્યા હતા, હાલ એપ્રિલમાં રોજના સરેરાશ 4 હજાર કેસ સામે આવી રહ્યા છે. જો સંક્રમણનો દર આવો જ રહ્યો તો એપ્રિલમાં 1.20 લાખ નવા કેસ આવવાની સંભાવના છે. જોકે જે રીતે દરરોજ નવા કેસ વધી રહ્યા છે એ મુજબ એક અંદાજ મુજબ એપ્રિલના કુલ કેસ આનાથી વધુ હોઈ શકે છે.