મુખ્યમંત્રી નિવાસ સ્થાને ગુડ ગવર્નન્સ ડે–૨૦૨૩ની ઉજવણી
સીએમ કાર્યાલય અને એનએફએસયુ તથા વાધવાની ફાઉન્ડેશન વચ્ચે એમઓયુ થયા
મુખ્યમંત્રીએ IITRAM દ્વારા સીએમ ડેશબોર્ડ અંગેના સ્ટડી રિપોર્ટનું વિમોચન કર્યું
મુખ્યમંત્રી નિવાસ સ્થાને ગુડ ગવર્નન્સ ડે–૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ગુડ ગવર્નન્સ ડે–૨૦૨૩ની આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુડ ગવર્નન્સના મંત્રને ચરિતાર્થ કરી ગુજરાત અને દેશને વૈશ્વિક ઓળખ અપાવી છે. તેમના છેલ્લા ૨૦ વર્ષથી વધુના કાર્યકાળમાં આગળ વધી રહેલી વિકાસયાત્રાના પાયામાં જનકલ્યાણ અને સુસાશનની વિશેષ ભૂમિકા છે.મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ હતુ કે, વડાપ્રધાનએ સો ટકા સેચ્યુરેશનથી જનકલ્યાણલક્ષી યોજનાઓ તેના સાચા લાભાર્થી સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે. આ યાત્રા દરમિયાન લોકો સુધી સરકાર પહોંચે હેતુથી લાભાર્થીઓને ઘર આંગણે સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
ગુડ ગવર્નન્સ ડે–૨૦૨૩
મુખ્યમંત્રીએ કહ્યુ કે, રાજ્યના છેવાડાના માનવી સુધી સેવાની સરળ અને ઝડપી ડિલીવરીથી ગુડ ગવર્નન્સ સાકાર કર્યું છે. બોટમ ટુ ટોપ એપ્રોચ સાથે કામગીરી કરીને રાજ્ય સરકારે સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકો માટે લોકો સુધી પહોંચવા માટેના કર્તવ્ય ભાવથી રાજ્ય સરકાર કાર્યરત છે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીએ નવા ઇનિશિએટિવ્ઝ અંતર્ગત પહેલ સીએમ કાર્યાલયની અપડેટ વેબસાઈટ, સ્વાગત ઓનલાઈનની અદ્યતન વેબસાઈટ અને સીએમ ડેશબોર્ડના નવા શરૂ કરાયેલા બે પેરામીટર્સનું લૉન્ચિંગ કર્યું હતું.
સીએમ કાર્યાલયની આ નવી વેબસાઈટ સરળ નેવિગેશન, સહજ એક્સેસ, મોબાઈલ રિસ્પોન્સિવ પેજીસ, સમાચાર તથા પ્રેસ રિલીઝનું સરળ શેરિંગ, ફોટો-વીડિયો માટે સરળ વોલ સહિતની ઘણી સુવિધાઓથી સભર છે. તેના પરથી હવે સીએમઓ દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી પ્રત્યેક પોસ્ટ જોવા મળી શકશે. તેમજ રાજ્ય સરકારના અગત્યના નિર્ણયોની માહિતી નવી વેબસાઈટના હોમ પેજ પરથી જ મળી રહેશે. સ્વાગત કાર્યક્રમની અદ્યતન વેબસાઈટમાં નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. નિયત સમયમર્યાદામાં નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આપોઆપ અરજી ઉપરી અધિકારીને તબદીલ થાય છે. અરજીના ઝડપી નિકાલ તથા મોનીટરીંગ માટે ઓટો એસ્કલેશન મેટ્રિક્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત સીએમ ડેશબોર્ડને વધુ અસરકારક બનાવવા રિઅલ ટાઈમ પર્ફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ ૨.૦ તથા ડિપાર્ટમેન્ટ પર્ફોર્મન્સ એલર્ટ મોનિટરીંગ સિસ્ટમ દાખલ કરાયાં છે. રિઅલ ટાઈમ પર્ફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ ૨.૦ જિલ્લા અધિકારીઓનું પાંચ મુખ્ય સેક્ટર્સમાં ધ્યાન કેન્દ્રિત કરશે. તેમજ પર્ફોર્મન્સ એલર્ટ મોનિટરીંગ સિસ્ટમથી વિભાગના મંત્રીઓ અને સચિવોને વિભાગની પ્રજાલક્ષી યોજનાઓની લક્ષ્યસિદ્ધિઓ, ક્યાં કચાસ રહી ગઈ, ક્યાં વિશેષ કાર્યને અવકાશ છે વગેરે માહિતીનું સતત અપડેટ આપશે.
મુખ્યમંત્રી નિવાસ સ્થાને ગુડ ગવર્નન્સ ડે–૨૦૨૩ની ઉજવણી