ભારત આ વખતે G20 પ્રમુખપદની અધ્યક્ષતા કરી રહ્યું છે અને તેને ભવ્ય બનાવવા માટે કોઈ કસર છોડી રહી નથી. આ કડીમાં ભારતે શ્રીનગરમાં G20 બેઠકની તારીખ નક્કી કરી છે. આ કરતાંની સાથે જ પાકિસ્તાન ગુસ્સે થઈ ગયું અને તેમણે મંગળવારે ભારતના પગલાની નિંદા કરી અને તેને નિરાશાજનક ગણાવ્યું. પાકિસ્તાને આરોપ મુક્યો છે કે, ભારત એક આંતરરાષ્ટ્રીય સંગઠનનુ સભ્ય હોવાનો ફાયદો ઉઠાવી રહ્યુ છે. પાકિસ્તાનના વિરોધના પગલે ચીન આ બેઠકનો બહિષ્કાર કરે તેવી શક્યતા છે.ભારતે ગયા વર્ષે ડિસેમ્બરમાં જી-20ની વર્ષભર અધ્યક્ષતા સંભાળી હતી. શુક્રવારે તેના G-20 કેલેન્ડરને અપડેટ કરતી વખતે, ભારતે કહ્યું કે પર્યટન પર કાર્યકારી જૂથની બેઠક 22 થી 24 મે દરમિયાન શ્રીનગરમાં યોજાશે. પાકિસ્તાને કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. જમ્મુ અને કાશ્મીર પર પોતાનો ગેરકાયદેસર કબજો જાળવી રાખવા માટે ભારત બેજવાબદાર પગલું ભરી રહ્યું છે. પાકિસ્તાને શ્રીનગરમાં યોજાનારી બેઠક સામે વાંધો ઉઠાવીને કહ્યુ છે કે સાત દાયકાથી જમ્મુ કાશ્મીર વિવાદ યુએનના એજન્ડા પર છે. આ પ્રકારની બેઠકના આયોજનથી ભારત સચ્ચાઈ છુપાવી નહીં શકે.